Mahesana news : મહેસાણા જિલ્લાનાં કડી તાલુકામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જાસલપુર ગામમાં આવેલી એક કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 8 શ્રમિકો મોત નીપજ્યા છે. આ ઘટનામાં 10 શ્રમિકો દટાયા હતા. ઘટનાને પગલે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરી મૃતકનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર તથા સીએમ ભૂપેન્દ્ર પટેલે મૃતકનાં પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે
અચાનક માટી ધસી કામદારો દટાયા હતા
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીમાં ગોઝારી ઘટનાએ કારણે ચકચાર મચી જવા પામી છે. કામદારો કંપનીની દિવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક માટી ધસી પડવાથી 10 કામદારો દટાયા હતા. જેમાં 8 કામદારોના મોત થયા છે. દટાયેલા મજૂરોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા મહેસાણા જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, કડી પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ પણ રેસ્ક્યૂ કરવા માટે પહોંચી હતી.
પોલીસે આ ઘટનામાં મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં કોની બેદરકારી છે તેની ચકાસણી કરવામાં આવશે અને પછી કાયદા મુજબ પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો – માંગરોળ ગેંગરેપના આરોપીઓનો ફરાર થવાનો પ્રયાસ, સુરત ક્રાઇમ બ્રાંચે કર્યું ફાયરિંગ
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં કામદારોના પરિવારો ધ્રુસકે-ધ્રુસકે રડતા જોવા મળે છે. જેસીબીમાંથી માટી કાઢવાની કામગીરી બાંધકામ સ્થળે કરવામાં આવી રહી છે. કામના સ્થળોએ કામદારોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આવી ઘટનાઓ ન બને તે માટે પ્રશાસને કેટલાક નિયમો લાગુ કરવાની ખાતરી આપી છે. વહીવટીતંત્રે પીડિતોના પરિવારોને તમામ શક્ય સહાયની ખાતરી આપી છે.
પીએમ અને સીએમ દ્વારા સહાયની જાહેરાત
ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરી મૃતકનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર તથા સીએમ ભૂપેન્દ્ર પટેલે મૃતકનાં પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. પીએમે કહ્યું કે ગુજરાતના મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાથી થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાયમાં રોકાયેલ છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મહેસાણામાં દિવાલ પડવાના લીધે થયેલ જાનહાનિની ઘટના અત્યંત દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોના બચાવ અને ઝડપી સારવાર માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું.