Navsari Dandi coast : નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. રવિવારે રજા માણવા દરિયાકાંઠે ફરવા ગયેલા ત્રણ પરિવારના 6 સભ્યો દાંડીના દરિયામાં ડૂબ્યા છે. જેમાં 2ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો લાપતા છે. જેમની શોધખોળ હાથ ધરાઈ છે.
નવસારીના ખડસુપામાં રહેતો પરિવાર રવિવારની રજા માણવા માટે દાંડીના દરિયાકાંઠે આવ્યો હતો. જ્યાં છ લોકો એકાએક દરિયામાં ડૂબ્યા હતાં. જે ડૂબેલા પૈકી 2ને હોમગાર્ડ અને પોલીસ જવાનોએ બચાવી લીધા છે જ્યારે અન્ય 2 મહિલા અને 2 પુરુષ દરિયામાં લાપતા છે. જેના પગલે જલાલપોર પોલીસે ડૂબેલા લોકોને શોધવા તજવીજ હાથ ધરી છે.
લાપતા લોકોની શોધખોળ
ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી લાપતા લોકોની શોધખોળ કરી રહ્યા છે. પોલીસે સલામતીના ભાગરૂપે દરિયાકાંઠા પરથી અન્ય પ્રવાસીઓને દૂર કર્યા છે. નવસારી જિલ્લા કલેકટર પણ દાંડીના દરિયાકાંઠે પહોંચ્યા હતા.





