Filmfare Award 2025 Ahmedabad : હિન્દી સિનેમાનો સૌથી ગ્લેમરસ અને પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ સમારોહ અમદાવાદમાં શરુ થઇ ગયો છે. 70મો ફિલ્મફેર એવોર્ડ્સ 2025 અમદાવાદના EKA એરેના ખાતે યોજાઈ રહ્યો છે, જ્યાં બોલીવુડ સ્ટાર્સ પોતાનું ગ્લેમર અને પ્રતિભા દર્શાવી રહ્યા છે.
શાહરૂખ ખાને 17 વર્ષ પછી ફિલ્મફેર એવોર્ડ હોસ્ટ કર્યો
આ વર્ષની ખાસ વાત એ છે કે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને 17 વર્ષ પછી ફિલ્મફેર એવોર્ડ હોસ્ટ કર્યો છે. તેની સાથે કરણ જોહર અને મનીષ પોલ પણ જોડાયા છે. શાહરૂખ ખાને અગાઉ 2003, 2004 અને 2007માં શો ને હોસ્ટ કર્યો હતો. જેમાં પોતાના રમૂજ અને કરિશ્માથી દર્શકોને જીતી લીધા હતા.
આ કલાકારોનું પર્ફોમન્સ
ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, કૃતિ સેનન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી પર્ફોમન્સ કરશે. અનન્યા અને સિદ્ધાંત પહેલી વાર ફિલ્મફેર એવોર્ડ્સના મંચ પર પરફોર્મ કરશે. કૃતિ સેનન પીઢ અભિનેત્રી ઝીનત અમાનને શ્રદ્ધાંજલિ આપશે. જે આજે સાંજની સૌથી ભાવનાત્મક ક્ષણ હશે.
અક્ષય કુમારે વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મંદિરની મુલાકાત લીધી
બોલિવૂડ સ્ટાર્સ હાલમાં અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ્સ 2025 માં હાજરી આપવા માટે આવ્યા છે. આ કાર્યક્રમ માટે અક્ષય કુમાર પણ ગુજરાત પહોંચ્યો છે. આ દરમિયાન અક્ષય કુમારે વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરની મુલાકાત લીધા પછી અક્ષયે તેના ચાહકોને નિરાશ કર્યા ન હતા. અભિનેતાએ મંદિરમાં હાજર ચાહકોને હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. અક્ષય કુમારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
નોમિનેશન રેસમાં કોણ આગળ?
આ વર્ષની બેસ્ટ ફિલ્મ કેટેગરી મુકાબલો ઘણો રસપ્રદ છે. “લાપતા લેડીઝ”, “સ્ત્રી 2”, “ભૂલ ભુલૈયા 3”, “કિલ” અને “આર્ટિકલ 370” જેવી ફિલ્મોએ દર્શકો અને વિવેચકો બંનેના દિલ જીતી લીધા છે. કિરણ રાવની “લાપતા લેડીઝ” એ 24 નોમિનેશન સાથે ઇતિહાસ રચ્યો છે, જે ફિલ્મફેર એવોર્ડ્સના 70 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ નોમિનેટેડ ફિલ્મ બની છે. અગાઉ આ રેકોર્ડ “કભી અલવિદા ના કહેના” ના નામે હતો.
ફિલ્મફેર ટ્રોફીનો ઇતિહાસ
ફિલ્મફેર ટ્રોફી, જેને પ્રેમથી ‘ધ બ્લેક લેડી’ તરીકે ઓળખવામાં આવે છે, તેને ભારતીય સિનેમામાં સન્માન અને પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે. 46.5 સેન્ટિમીટર ઉંચી અને આશરે 5 કિલોગ્રામ વજન ધરાવતી કાંસાની પ્રતિમા છે. 25મી વર્ષગાંઠ માટે તેને ચાંદીની અને 50મી વર્ષગાંઠ માટે તેને સોનાની બનાવવામાં આવી હતી.