Gujarat coast : ગુજરાતના દરિયામાંથી ઘણી વખત નશીલા પદાર્થ ઝડપાયા છે. વધુ એક વખત સુરક્ષા એજન્સીઓને ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. એટીએસ અને નાર્કોટિક્સ બ્યૂરોએ ગુજરાતના અરબી સમુદ્રમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ડ્રગ્સના જથ્થાનું મુલ્ય 600 કરોડ રૂપિયા જેટલું હોવાનુ કહેવાય છે. સુરક્ષા એજન્સીએ ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની પણ ઝડપ્યા છે.
14 પાકિસ્તાની ઝડપાયા
ભારતીય કોસ્ટ ગાર્ડે 28 એપ્રિલ 24 ના રોજ દરિયામાં ગુપ્ત માહિતી આધારિત એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું. પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ સાથે 600 કરોડ રૂપિયાની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ એકીકૃત રીતે સહયોગ રહ્યો હતો.
આ પણ વાંચો – ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : પાટણ બેઠક પરિણામ અને ઇતિહાસ, બે ઠાકોર ઉમેદવાર વચ્ચે જંગ
વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવશે
પાક બોટને તેના ક્રૂ સાથે પકડી લેવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને પોરબંદર લાવવામાં આવી રહી છે. ICG અને ATSના સંયુક્ત ઉપક્રમે છેલ્લા ત્રણ વર્ષમાં આવી અગિયાર સફળ કામગીરી થઈ છે.
આ પહેલા શનિવારે 27મી એપ્રિલના રોજ ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશન હેઠળ ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ હતી. ગુજરાત અને રાજસ્થાન મળીને ત્રણ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 10થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.





