આમ આદમી પાર્ટી (આપ)એ રેશ્મા પટેલને ગુજરાત રાજ્યના પ્રવક્તા તરીકે નિમણુંક કર્યા છે. રેશ્મા પટેલ એ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના ભૂતપૂર્વ સભ્ય છે અને તાજેતરમાં જ તેઓ કોંગ્રેસ પાર્ટી છોડીને આપ પાર્ટીમાં જોડાયા છે. આપ પાર્ટીદ્વારા ગુજરાત પ્રદેશના હોદ્દેદારોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રેશ્મા પટેલ આની પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને ચાલુ મહિનાની શરૂઆતમાં જ આપ પાર્ટી જોડાયા છે. હાલ ભાજપના વિરામગામ બેઠકના ઉમેદવાર હાર્દિક પટેલ સાથે વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે રેશ્મા પટેલ PAASના અગ્રણી સભ્ય તરીકે ઉભરી આવ્યા હતા.

રેશ્મા પટેલે ટ્વીટ કર્યું કે, “આમ આદમી પાર્ટીએ મને રાજ્ય પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપી છે, આ માટે હું અરવિંદ કેજરીવાલજી અને રાજ્યના લીડરનો આભાર વ્યક્ત કરું છું. ગુજરાતમાં સામાન્ય માણસનો અવાજ બનીને અમે ન્યાયની તરફેણમાં અમારો અવાજ બુલંદ કરીશું.
61 અન્ય પદાધિકારીઓની નિમણુંક
આપ પાર્ટીએ રેશ્મા પટેલને પક્ષના પ્રવક્તા પદે નિમણુંક કરવાની સાથે સાથે પક્ષના વિવિધ હોદ્દાઓ અને પાંખો માટે 61 અન્ય પદાધિકારીઓની પણ નિમણૂક કરી છે.
પ્રવિણ રામ, જેઓ અગાઉ પાર્ટીના પ્રદેશ પ્રવક્તા અને પ્રદેશ યુવા અધ્યક્ષ હતા, તેમને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો બ્રિજ સોલંકીને પ્રદેશ યુવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજીબેનને રાજ્યના જોઈન્ટ સેક્રેટરીનો હવાલો સોંપવામાં આવ્યો છે, અને જાવેદઝાદ કાદરીને લઘુમતી પાંખના રાજ્ય ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે.
પહેલા ભાજપ, ત્યારબાદ કોંગ્રેસ અને હવે આપમાં
પાટીદાર અનામત આંદોલનના અગ્રણી લીડરો પૈકાના એક રેશ્મા પટેલ ગુજરાતમાં ડિસેમ્બર 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતી, પરંતુ 2019માં ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા હતા.
વર્ષ 2017માં, ભાજપમાં જોડાતી વખતે રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર ‘કોંગ્રેસનો એજન્ટ’ હોવાનો આરોપ મૂક્યો હતો. ચાલુ વર્ષે જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો અને પાર્ટીએ તેને અમદાવાદ જિલ્લાના વિરમગામ બેઠક પરથી ટિકિટ આપી છે. નોંધનિય છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો પર 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે અને 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે.





