ગુજરાત આપ પાર્ટીના સંગઠનમાં ફેરફારઃ ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયાને કયુ પદ સોંપાયું? જાણો

AAP Party Gujarat : અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીએ પાંચ બેઠકો પર જીત હાંસલ કરીને રાષ્ટ્રીય સ્તરની રાજકીય પાર્ટી તરીકેનો દરજ્જો મેળવ્યો છે.

Written by Ajay Saroya
Updated : January 04, 2023 16:22 IST
ગુજરાત આપ પાર્ટીના સંગઠનમાં ફેરફારઃ ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયાને કયુ પદ સોંપાયું? જાણો

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની સાથે સાથે નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ગોપાલ ઇટાલીયાને આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સ્થાને હટાવવામાં આવ્યા છે અને ગુજરાતના તમામ ઝોનના નવા કાર્યકારી પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે.

આપ પાર્ટીના નવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કોણ?

આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં રાજ્ય પ્રદેશ પ્રમુખથી લઇને તમામ ઝોનના નવા હોંદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સ્થાને રહેલા ગોપાલ ઇટાલીયાને આ હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને ઇસુદાન ગઢવીની આપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે નિમણુંક કરાઇ છે.

ગોપાલ ઇટાલીયાને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવાયા, હવે કઇ જવાબદારી સોંપાઇ

તો ગોપાલ ઇટાલીયાને આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ હવે તેમને રાષ્ટ્રીય સ્તરની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગોપાલ ઇટાલીયાને આપ પાર્ટીએ નેશનલ જોઇન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહપ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ ઝોનના નવા કાર્યકારી અધ્યક્ષની નિમણુંક

અરવિંદ કેજરીવાલના અધ્યક્ષતા હેઠળની આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશ સંગઠનમાં કુલ 7 હોંદદારોની નિમણુંક કરી છે. જેમાં ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા ઉપરાંત અલ્પેશ કથિરિયાને સુરત ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ, ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાત ઝોનના રાજ્ય કાર્યકારી પ્રમુખ, ડો. રમેશ પટેલને ઉત્તર ગુજરાત ઝોનના રાજ્ય કાર્યકારી પ્રમુખ, જગમલ વાળાને સૌરાષ્ટ્ર ઝોનના રાજ્ય કાર્યકારી પ્રમુખ અને કૈલાશ ગઢવીને કચ્છ ઝોનના રાજ્ય કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીએ 5 બેઠકો જીતી

નોંધનિય છે કે, તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીએ પાંચ બેઠકો પર જીત હાંસલ કરીને રાષ્ટ્રીય સ્તરની રાજકીય પાર્ટી તરીકેનો દરજ્જો મેળવ્યો છે. અલબત્ત અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને તેની માટે મફત વિજળી સહિત સંખ્યાબંધ લોભામણી જાહેરાતો પણ કરી હતી. જામ ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડનાર આપ પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીની પણ હાર થઇ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીનો ગારિયાધા, બોટાદ, જામજોધપુર, વિસાવદર અને ડેડિયાપાડા બેઠક પર વિજય થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ