Bavla Abortion racket: અત્યારના આધુનિક સમયમાં દીકરો અને દીકરી એક સમાન માનવામાં આવી છે. જોકે, આજે પણ કહેવાતા ભદ્ર સમાજમાં એવા લોકો પણ છે જેઓ પુત્ર મોહમાં ગર્ભમાં ઉછરતી દીકરીને ગર્ભમાં જ મારી નાંખે છે. સરકારે દીકરીનું ગર્ભપરીક્ષણ કરાવવા પર પ્રતિબંધ મુક્યો છે. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદ જિલ્લાના બાવળામાંથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનું મસમોટું રેકેટ ઝડપાયું છે. ખાનગી હોસ્પિટલની નર્સ દ્વારા આ આખું રેકેટ ચાલતું હતું. જોકે, બાવળા પોલીસે હોટલ પર દરોડા પાડીને નવજાત ગર્ભ સાથે નર્સની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી.
કેવી રીતે ચાલતું હતું આખું રેકેટ?
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે બાવળા અને ધોળકા વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હેમલતા દરજી નામની નર્સ હોસ્પિટલમાં નોકરી કરતી હોવાથી પોતે જ ગર્ભવતી મહલાઓનો સંપર્ક કરતી હતી. મહિલા દર્દીઓનું ગર્ભ પરીક્ષણ કરતી અને જો ગર્ભમાં દીકરી હોય તો તેનો ગર્ભપાત પણ કરતી હતી. મોટાભાગના કિસ્સામાં સંતાનમાં એક કે બે દીકરીઓ હોય અને ફરી મહિલા કરી ગર્ભવતી હોય ત્યારે બીજુ કે ત્રીજુ બાળક દીકરી જોઈતું ન હોય ત્યારે નર્સ હેમલતાનો સંપર્ક કરતા હતા.
નર્સ પ્રસુતિ કરાવી ગયેલી બહેનો અને પરિવારોના સંપર્કમાં રહેતી
પોલીસનું કહેવું છે કે હેમલતાબહેન પ્રસૂતિ કરાવી ગયેલી બહેનો અને તેના પરિવારના સંપર્કમાં રહેતી હતી. આથી દીકરીઓ જ જન્મી હોય તેવા પરિવારો પણ તેનો સંપર્ક કરતાં હતાં. આથી ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરાવીને દીકરી હોય તો નર્સ હેમલતા સગર્ભાના ઘરે જઈને અથવા તો પરિવારને જાણ કરતી કે ગર્ભપાત કરાવવો હોય તો હોટલમાં લાવીને રૂમમાં ટેબલેટ આપતી હતી.
ગર્ભપાત કરાવવા માટે ₹ 10,000 વસુલતી
વધુ મળતી માહિતી પ્રમાણે મહિલા દર્દીઓને ગર્ભપાત કરાવવા માટે નર્સ હેમલતા દરજી પરિવાર પાસેથી ₹10000 વસુલતી હતી. એટલું જ નહીં જો હોટલના રૂમમાં ગર્ભપાત કરવાનો હોય તો તે હોટલના રૂમના ત્રણ ગણું ભાડું ચૂકવતી. પોલીસે ત્રણ ગણો ચાર્જ વસુલીને રૂમ આપનાર ગેસ્ટહાઉસ સંચાલકની પણ ધરપકડ કરી હતી. કારણ કે સંચાલક સમગ્ર રેકેટથી વાકેફ હતા.
બેથી ત્રણ વર્ષથી ચાલતું હતું આ ગેરકાયદે રેકેટ
એક સમાચારપત્ર પ્રમાણે ડી.વાય.એસપી. સાણંદ નીલમ ગોકવામીએ જણાવ્યું કે આરોપી હેમલતા દરજીએ નર્સિંગનો કોર્ષ કર્યો છે. ધોળકા અને બાવળાની અલગ-અલગ હોસ્પિટલમાં નોકરી કરી ચુકી છે. હાલ આરોપી નર્સ બાવળાની લિન્દ્રા હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. આરોપી નર્સે ડોક્ટર સાથે કામ કર્યું હતું. આથી તે ગર્ભપાત કરવાની પ્રક્રિયા જાણતી હતી.
આ પણ વાંચોઃ- એસિડિટી સમજીને હાર્ટ એટેકની અગણના કરી, નવસારીમાં 13 વર્ષના વિદ્યાર્થીનું આશ્રમ શાળામાં મોત
છેલ્લા બેથી ત્રણ વર્ષથી આ રીતે ગેરકાયદે ગર્ભપાત કરતી હતી. નર્સ પાસે ગર્ભપાત કરવા માટેની કે ટેબલેટ આપવી શકાય તેવી કોઇ ડિગ્રી ન હતી. નર્સે અત્યાર સુધીમાં કેટલી મહિલાઓનો ગેરકાયદે રીતે ગર્ભપાત કરાવ્યો છે તે તપાસ બાદ જ સામે આવશે.





