ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફાળવેલી ફરજમાંથી એક આઇએએસ ઓફિસરને સસ્પેન્ડ કરાતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે. IAS અધિકારીમાંથી એક્ટર બનેલા અભિષેક સિંહ (IAS અભિષેક સિંહ)ને ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી ફરજમાંથી હટાવી દેવામાં આવ્યા છે તેની પાછળ તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી તસ્વીરો છે. આ પહેલી ઘટના છે જ્યારે તેમને તેમની ફરજ પરથી હટાવવામાં આવ્યા છે. અગાઉ પણ તેઓ જ્યારે ઉત્તર પ્રદેશમાં ફરજ પર હતા ત્યારે તેમણે એક અમાનવીય વ્યવહારને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાની વાત કહીયે તો IAS ઓફિસર અભિષેક સિંહે તેમના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેને ચૂંટણી પંચે ‘પબ્લિસિટી સ્ટંટ’ ગણાવીને તેમની ચૂંટણીમાં ફાળવેલી ફરજ પરથી હટાવી દીધા છે.
ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરી ચૂકેલા IAS ઓફિસર અભિષેક સિંહને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ-બાપુ નગર અને અસારવા વિધાનસભા મતવિસ્તારમાં નિરીક્ષક તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચ કેમ નારાજ
ચૂંટણી પંચે અભિષેક સિંહ દ્વારા સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા ફોટાને ગોપનીયતાનો ભંગ ગણાવ્યો છે. આ નિયમ ભંગને કારણે ચૂંટણી પંચે IAS ઓફિસર અભિષેક સિંહને તાત્કાલિક અસરે ચૂંટણી ફરજમાંથી દૂર કરવામાં આવ્યા છે. અભિષેકને આગામી આદેશ સુધી ચૂંટણીના કામથી પણ દૂર રાખવામાં આવ્યા છે. તેમને આજે જ વિધાનસભા મતવિસ્તાર છોડવા માટે આદેશ કરવામાં આવ્યો છે, સાથે સાથે તેમને ગુજરાતની વિધાનસભા ચૂંટણીમં નિરીક્ષક તરીકે આપવામાં આવેલી તમામ ફરજો અને સુવિધાઓ પણ પાછી ખેંચી લેવામાં આવી છે. હવે તેમના સ્થાને અન્ય IAS અધિકારી કિશન વાજપાઈને નિમણુંક કરવામાં આવ્યા છે.
નેટફ્લિક્સની વેબ સિરીઝમાં દેખાયા હતા IAS અભિષેક સિંહ
તમને જણાવી દઈએ કે અભિષેક સિંહ ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી છે. તેઓ તેમના અભિનય માટે પણ પ્રખ્યાત છે. અભિષેકે તાજેતરમાં જ નેટફ્લિક્સની ફેમસ વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ’ની સીઝન-2માં કામ કર્યું હતું. ઉપરાંત બી પ્રાકનું ગીત ‘દિલ તોડકર…’ તેમના પર શુટ કરવામાં આવ્યું છે. આ ગીત ઘણું હિટ સાબિત થયું હતું. જુબીન નૌટિયાલ સાથેનું તેમનું નવું ગીત ‘તુઝે ભૂલના તો ચાહા…’ પણ હિટ રહ્યું હતું. અભિષેક સિંહે ઘણી વેબ સિરીઝ અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે
IAS ઓફિસર અભિષેક સિંહે ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. IASની નોકરીની સાથે સાથે તેઓ એક્ટિંગને પણ પોતાનો શોખ ગણાવે છે. અભિષેકના કહેવા પ્રમાણે, જ્યારે તેમણે એક્ટિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે પરિવારના સભ્યો તેની વિરુદ્ધ હતા અને તેને બિનજરૂરી કહેતા હતા, પરંતુ તેમણે પોતાના શોખને આગળ વધારવાનું ચાલુ રાખ્યું. તમને જણાવી દઈએ કે, અભિષેક સિંહની પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS ઓફિસર છે. અભિષેક સિંહ 2011 બેંચના IAS અને દુર્ગા શક્તિ નાગપાલ 2009 બેંચના ઓફિસર છે.
UPમાં શિક્ષક સાથે "અમાનવીય" વર્તન દલ સસ્પેન્ડ કરાયા હતા
આ ઘટના વર્ષ 2014ના ઓક્ટોબર મહિનાની છે. તે સમયે IAS અધિકારી અભિષેક સિંહ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના મહાવન વિસ્તારમાં સબ- ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ પર તૈનાત હતા. તે સમયે તેમણે એક 55 વર્ષના દલિત શિક્ષક સાથે કથિત અમાનવીય વર્તન કર્યું હતું. આ ઘટના બહાર આવ્યા બાદ તત્કાલિક ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે અભિષેક સિંહને તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કર્યા હતા.