અમદાવાદ એરપોર્ટને પણ વર્લ્ડ ક્લાસ લેવલનું એરપોર્ટ બનાવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટના સંચાલનની જવાબદારી હાલ અદાણી ગ્રૂપ પાસે છે. અમદાવાદ એરપોર્ટના વિકાસ અને વિશ્વસ્તરનું બનાવવા માટે અદાણી ગ્રૂપ આગામી પાંચ વર્ષમાં 10 હજાર કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.
અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા પણ આગામી 5 વર્ષમાં ત્રણ ગણી વધવની અપેક્ષા છે.. હાલ દર વર્ષે આશરે 90 લાખ મુસાફરો અમદાવાદ એરપોર્ટની મુલાકાત લે છે. અમદાવાદ એરપોર્ટને રિજનલ હબ પણ બનાવવામાં આવશે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર ગયા અઠવાડિયે રોકાણકારો સમક્ષ એક પ્રેઝન્ટેશન દરમિયાન અદાણી ગ્રુપના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટને ભુજ, કંડલા, જામનગર અને ભાવનગર જેવા એરપોર્ટને કનેક્ટ કરીને રિજનલ હબ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે અમદાવાદ એરપોર્ટની વાર્ષિક પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા હાલમાં 90 લાખ છે, જે વર્ષ 2027માં વધારીને 2.80 કરોડકરવામાં આવશે.
આ પ્રેઝન્ટેશનમાં જણાવાયું હતું કે અમદાવાદ એક “ફાઇનાન્સિયલ કેપિટલ” છે જ્યાં પ્રવાસનની તકો અને ઔદ્યોગિક કામગીરી પણ ઝડપથી વધી રહ્યો છે. શહેરમાં હોટલ રૂમની સંખ્યામાં વાર્ષિક 8.59 ટકા વૃદ્ધિ દર જોવા મળ્યો છે.
આવક વધારવા માટે, એરપોર્ટનો વ્યવસાયિક વિસ્તાર 2025 સુધીમાં વર્તમાન 2,000 ચોરસ મીટર (ચોરસ મીટર)થી વધારીને 9,000 ચોરસ મીટર કરવામાં આવશે. અદાણી ગ્રૂપ ઇચ્છે છે કે વધુમાં વધુ પ્રીમિયમ બ્રાન્ડ્સ અમદાવાદ એરપોર્ટ પર પોતાના આઉટલેટ શરૂ કરે જેથી મોટી રકમના ટ્રાન્ઝેક્સનની ખાતરી કરી શકાય.
અદાણી ગ્રુપને 1300 કરોડનો કોન્ટ્રાક્ટ
અદાણી ટ્રાન્સમિશનએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેને BEST (બૃહદ મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) સાહસ માટે 10.80 લાખ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવા અને જાળવવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોન્ટ્રાક્ટ લગભગ 1,300 કરોડ રૂપિયાનો છે.
મુંબઈને વીજળી સપ્લાય કરતી BESTના જણાવ્યા અનુસાર, સ્માર્ટ ઈલેક્ટ્રીક મીટરનું ઈન્સ્ટોલેશન ટૂંક સમયમાં શરૂ થશે અને આગામી 12 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા અદાણી ગ્રુપે એર વર્ક્સ કંપનીને 400 કરોડ રૂપિયામાં ટેકઓવર કરવાની જાહેરાત કરી હતી, આ સાથે જ તેણે એરક્રાફ્ટ સેક્ટરમાં એન્ટ્રી કરી છે.