ahmedabad fraud case : અમદાવાદમાં કરોડો રૂપિયાની ચોરીનો એક અજીબ મામલો સામે આવ્યો છે. ઠગ ટોળકી 1 કરોડ 60 લાખ રૂપિયાની કિંમતનું 2100 ગ્રામ સોનું લઇને ફરાર થઇ ગયા છે. આ ઠગ ટોળકીએ વેપારીને નકલી રૂપિયા આપ્યા હતા. જેના પર બોલિવુડ અભિનેતા અનુપમ ખેરનો ફોટો છપાયેલો હતો. આ પછી ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. પોલીસે તપાસ શરુ કરી છે.
આ 500ની નોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ મામલે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે. આ મામલે ખુદ અનુપમ ખેરે એક પોસ્ટ શેર કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. નોટો પર ગાંધીજીને બદલે પોતાનો ફોટો જોતા અનુપમ ખેરને આશ્ચર્ય થયું હતું. અનુપમ ખેરે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે લો જી કર લો વાત. 500 રૂપિયાની નોટ પર મહાત્મા ગાંધીના બદલે મારો ફોટો??? કુછ ભી હો સકતા હૈ.
શું છે ઘટના
મેહુલ ઠક્કરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. મેહુલ ઠક્કર માણેક ચોક ખાતે સોના-ચાંદીનો ધંધો કરે છે. 23 સપ્ટેમ્બરના રોજ સીજી રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતું કે 2100 ગ્રામ સોનું ખરીદવું છે તો ભાવ શું છે. મેહુલ ઠક્કરે પ્રશાંત પટેલ પાસે 2100 ગ્રામ સોનાનો સોદો 1.60 કરોડમાં નક્કી કર્યો હતો.
આ પણ વાંચો – નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, 99.25 ટકા ભરાયો
મેહુલ ઠક્કરે પોતાના કર્મચારી ભરત જોશીને આંગડિયા પેઢીમાં 2100 ગ્રામ સોનું પહોંચાડવા મોકલ્યો હતો. જ્યારે ભરત જોષી ત્યાં પહોંચ્યા ત્યારે તેણે એક માણસને કાઉન્ટિંગ મશીન આપ્યું હતું. બીજા વ્યક્તિએ ભરત જોષી પાસેથી સોનું લીધું અને ત્રીજી વ્યક્તિએ કહ્યું કે કાઉન્ટિંગ મશીનમાં આ 1.30 કરોડ રૂપિયાની ગણતરી કરો. હું બીજા 30 લાખ ઓફિસથી લાવીનું આપું છું.
500 રૂપિયાની તમામ નોટો પર અનુપમ ખેરનો ફોટો છપાયેલો હતો
ભરત જોષીને નજર ચુકવીને ત્રણેય જણા ત્યાંથી સોનું લઈને નાસી છૂટ્યા હતા. જ્યારે કર્મચારીએ બેગમાંથી 500 રૂપિયાનું બંડલ કાઢ્યું તો તેણે જોયું કે 500 રૂપિયાની તમામ નોટો પર અનુપમ ખેરનો ફોટો છપાયેલો હતો. આ નકલી નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે રિસોલ બેંક ઓફ ઈન્ડિયા લખેલું હતું. પોલીસ હવે આરોપીને શોધી રહી છે.





