Ahmedabad Plane Crash Updates: અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઈંગ 787 પ્લેન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. આ વિમાન મેઘાણીનગરમાં આપેલી બીજે મેડિકલની મેસ પર ક્રેશ થયું હતું. જેના પગલે મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 લોકો સહિત 265 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિદેશી નાગરીકો હતો. આ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. DGCAની ટીમ અમદાવાદ આવી પહોંચી છે અને બ્લેક બોક્સ અને ડીવીઆર રીકવર કર્યું છે.
બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતન રાજકોટમાં પણ તેમના મોતથી ઘેરો શોક વર્તાય છે. રાજકોટના વેપારીઓએ દિવંગત વિજય રૂપાણીને શ્રદ્ધાંજલી આપવા અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજે રાજકોટ અડધો દિવસ બંધ રહેશે.સાથે જ ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ આજે શિક્ષણ કાર્ય બંધ રાખશે.
15 મૃતકોના DNA મેચ થયા
અમદાવાદ સિવિલમાં રાખવામાં આવેલા મૃતદેહોમાંથી અત્યાર સુધીમાં 15ના DNA મેચ થતા તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાની શરૂઆત કરવામાં આવી છે. 15 મૃતકોના DNA મેચ થયા બાદ 3ના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે અન્યના પરિવારજનોની રાહ જોવાઈ રહી છે. દરેક મૃતકના પરિવાર માટે અધિકારી, પોલીસ અને કાઉન્સેલરની ખાસ ટીમ ફાળવાઈ છે. મૃતકોના ઘર સુધી પોલીસ એસ્કોર્ટ સાથે મૃતદેહ પહોંચાડાશે.






