Ahmedabad Plane Crash Updates: અમદાવાદના મેઘાણાનગર વિસ્તારમાં 12 જૂન 2025, બપોરે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. પ્લેન ક્રેશ બાદ સમગ્ર ઘટનામાં હાહાકાર મચી ગયો હતો. અને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને બચાવ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથધર્યું હતું. આ કામગીરીમાં બીએસએફ અને એને એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટમાં પ્લેનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો. આ કમનસિબ ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું. પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારોમાં માતમ છવાયો હતો. રાજ્યના નેતાઓ અને મંત્રીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુરુવારે સાંજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે આજે શુક્રવારે સવારે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચીને સીધી અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ટાટા ગ્રુપના વડાએ કહ્યું- ટાટા ગ્રુપના ઈતિહાસનો સૌથી કાળો દિવસ
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર બોલતા ટાટા ગ્રુપના વડાએ કહ્યું કે આ ટાટા ગ્રુપના ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે. ટાટા ગ્રુપના વડા નટરાજન ચંદ્રશેખરન તેમના સાથીઓને લખે છે ગઈકાલે જે થયું તે સમજની બહારનું છે અને અમે આઘાત અને શોકમાં છીએ. એક વ્યક્તિને પણ ગુમાવવી એ આપણા માટે દુ:ખદ છે, પરંતુ એક સાથે આટલા બધા મૃત્યુ થાય તે સમજની બહાર છે. ટાટા ગ્રુપના ઇતિહાસમાં આ સૌથી કાળો દિવસ છે.
છ મૃતદેહો પરિવારને સોંપાયા, DNA મેચની પ્રક્રિયા પૂર્ણ થવામાં 72 કલાક લાગશે
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટલા પૈકી છ લોકોના મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કક્ષમાં કેસો સંભાળી રહેલા ચિરાગ ગોસાઈએ કહ્યું કે ડીએનએ નમૂના મેચ કરવાની પ્રક્રિયા પૂર્ણ થવામાં 72 કલાક જેટલો સમય લાગશે. એકવાર ડીએનએ મેચ થયા બાદ મૃતદેહોને પરિવારને સોંપવામાં આવશે.
પ્લેન ક્રેશ સ્થળની મુલાકાત બાદ પીએમ મોદીનું ટ્વીટ, વિનાશનું દ્રશ્ય દુઃખદ છે
પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “આજે અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુઃખદ છે. ઘટના પછી અથાક મહેનત કરી રહેલા અધિકારીઓ અને ટીમોને મળ્યા. આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે અમારી સંવેદનાઓ અકબંધ છે.”





