Vishwas kumar Ramesh : અમદાવાદમાં થયેલી અત્યંત કરૂણ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વિશ્વાસકુમાર રમેશને લઇને લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. લોકોનું કહેવું છે કે આવા ભયાનક વિમાન દુર્ઘટનામાંથી બચવું એ નિશ્ચિતપણે ચમત્કાર છે. વિશ્વાસ પોતે કહે છે કે તે કેવી રીતે બચી ગયો તેના પર વિશ્વાસ કરી શકતો નથી.
અકસ્માત બાદ વિશ્વાસે તમામ ટીવી ચેનલો સાથે વાત કરી છે. તે ભયાનક ઘટના વિશે દૂરદર્શનને પણ જણાવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને મળ્યા હતા. તેમણે પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત વ્યક્તિ રહેલા વિશ્વાસ કુમારની પણ મુલાકાતી લીધી હતી. વિશ્વાસ ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે.
મેં મારો સીટબેલ્ટ ખોલ્યો અને વિમાનમાંથી બહાર નીકળ્યો
દૂરદર્શન સાથે વાત કરતા વિશ્વાસે જણાવ્યું કે અકસ્માત થતા જ તેણે પોતાનો સીટ બેલ્ટ ખોલ્યો હતો અને પ્લેનમાંથી બહાર નીકળી ગયો હતો. તેણે કહ્યું કે આ સમય દરમિયાન તેનો ડાબો હાથ દાઝી ગયો હતો. વિસ્વાસે જણાવ્યું હતું કે આ દ્રશ્ય ભયાનક હતું અને તેણે બહાર આવ્યા પછી વિમાનમાં સવાર મુસાફરો અને કેબિન ક્રૂ સભ્યોના મૃતદેહો જોયા હતા.
મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો
વિશ્વાસે કહ્યું કે હું જે બાજુ બેઠો હતો તે હોસ્ટેલની બાજુ ન હતી, તે હોસ્ટેલનો ગ્રાઉન્ડ ફ્લોર હતો, જેવો મારો દરવાજો (વિમાનનો ઇમરજન્સી ગેટ) તૂટ્યો કે તરત જ મેં જોયું કે ત્યાં થોડી જગ્યા હતી અને પ્રયત્ન કરીને ત્યાંથી બહાર આવ્યો હતો. બીજી તરફ એક ઇમારતની દીવાલ હતી અને વિમાન સંપૂર્ણપણે તે બાજુ તૂટી પડ્યું હતું, તેથી કદાચ તે બાજુથી કોઈ બહાર નીકળી શક્યું નહીં. હું જ્યાં હતો ત્યાં જગ્યા હતી. મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો. આગમાં મારો ડાબો હાથ સળગી ગયો હતો. પછી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને મને અહીં સારી સારવાર મળી રહી છે.
ત્યાં લાશો પડી હતી
વિશ્વાસે કહ્યું કે પીએમ મોદીએ તેમને આ ઘટના વિશે પૂછ્યું. વિશ્વાસે કહે છે કે મને ભરોસો આવતો નથી કે હું કેવી રીતે બચી ગયો. મને લાગતું હતું કે હું મરી જઈશ, પરંતુ જ્યારે મેં મારી આંખો ખોલી, ત્યારે હું જીવતો હતો. મેં મારો સીટબેલ્ટ ખોલ્યો અને ભાગી ગયો. ત્યાં અંકલ-આંટીઓ અને એર હોસ્ટેસના મૃતદેહો પડ્યા હતા.
આ પણ વાંચો – અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે જોડાયેલી 6 મહત્વપૂર્ણ વાતો, જેને જાણવી જરૂરી છે
વિશ્વાસે કહ્યું કે પ્લેન ટેક ઓફ થયાની 5-10 સેકન્ડમાં જ અમને લાગ્યું કે કંઈક ફસાઈ ગયું છે, પ્લેનમાં લીલી અને સફેદ લાઈટો ચાલું થઇ ગઇ હતી. મને લાગે છે કે ટેકઓફ પછી વિમાનને ઝડપ વધારી દીધી હતી અને હોસ્ટલની ઇમારત સાથે ટકરાયું હતું. આ બધું મારી આંખોની સામે થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘાયલોને મળ્યા બાદ અને સ્થળની મુલાકાત લીધા બાદ એક્સ એકાઉન્ટ પર લખ્યું કે આ ખૂબ જ દુખદ ઘટના છે અને અમારી સંવેદનાઓ એ લોકો સાથે છે જેમણે આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે.