મોરબીનો ઝુલતા પુલ તૂટવાની દૂર્ઘટનામાંથી અમદાવાદના વહીવટીતંત્રે બોધપાઠ લઇને અટલ ફુટ બ્રિજ અંગે એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગમચેતીના ભાગરૂપે અટલ બ્રિજ માટે આવતા મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલો અટક બ્રિજ હાલ સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. થોડાંક મહિના અગાઉ જ આ અટલ બ્રિજનું ઉદઘાટન થયુ છે અને દરરોજ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે. મોરબીમાં ઝુલતા પુલની દૂર્ઘટના બન્યા બાદ આવી કોઇ કરુણાંતિકા ન સર્જાય તેની માટે મનપાએ અટલ બ્રિજના મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ મનપા દ્વારા તાત્કાલિક ધોરણે લેવાયેલા નિર્ણય મુજબ હવે એક સાથે 3000થી વધારે લોકો અટલ ફૂટ બ્રિજની મુલાકાત લઇ શકશે નહી. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, મોરબીમાં ઝુલતા પુલની દૂર્ઘટના બની તે જ દિવસ એટલે કે 30 ઓક્ટોબર 2022ના રોજ 35000 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી. હાલ દિવાળીના તહેવારોની રજાઓ ચાલી રહી છે આથી દરરોજ મોટી સંખ્યામાં લોકો આ બ્રિજની મુલાકાતે આવી રહ્યા છે. અટક બ્રિજ માટે સવારે 9 થી સાંજના 8.30 વાગ્યા સુધી જ ટિકિટનું વિતરણ કરાય છે.
અટક બ્રિજ પર એક સાથે કેટલાં લોકો ઉભા રહી શકે?
મોરબીના ઝુલતા પુલની દૂર્ઘટના બાદ અટલ બ્રિજ અંગે પણ વહીવટીતંત્ર ગંભીર મુદ્રામાં દેખાઇ રહ્યં છે. કોઇ અકસ્માત ન સર્જાય તેથી અગમચેતીના ભાગરૂપે અટલ બ્રિજના મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. અટક બ્રિજની હાલની ક્ષમતા તથા ટેકનિકલ ક્ષમતા મુજબ એક સાથે 12,000થી વધારે લોકો બ્રિજ ઉપર ઉભા રહી શકે છે, તેમ છતાં મોરબીની કરુણાંતિકા બાદ હવેથી અટક બ્રિજ પર દર કલાકે વધુમાં વધુ 3,000 મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. જેથી મુલાકાતીઓ સુરક્ષિત રીતે અટલ બ્રિજની મુલાકાત લઇ શકે અને કોઇ દૂર્ઘટના સર્જાય નહીં.