Ahmedabad big fire Incident : અમદાવાદ શહેરમાં આગની એક દર્દનાક ઘટના બની હતી. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં સાતમા માળે આગ લાગી હતી. જોકે, આ આગમાં એક કિશોરી ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેનું સારવાર દરમિયના મોત નીપજ્યું હતું. જોકે, પરિવારના ચાર સભ્યો બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ઉલ્લખનીય છે કે થોડા દિવસો પહેલા નારણપુરાની આંખી હોસ્પિટલમાં આગ લાગતા પતિ પત્નીનું મોત નીપજ્યું હતું.
ફાયર બ્રિગેડની 15 ગાડીઓ, એમ્બ્યુલન્સ સ્થાનિક પોલીસ સ્થળ પર
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગીરધર નગર સર્કલ પાસે ઓર્ચિજ ગ્રીન ફ્લેટ આવેલો છે. જ્યાં સવારે 7 વાગ્યાની આસપાસ ફ્લેટના સાતમા માળે આગ લાગી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડના રેસ્ક્યુ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે 15 ગાડીઓ રવાના કરવામાં આવી હતી.
15 વર્ષની પ્રાંજલ ઉર્ફે પ્રાચી આગમાં ફસાઈ જતાં ગંભીર રીતે દાઝી
વધુ મળતી માહિતી પ્રમાણે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુબિકલ સાથે તેઓએ પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. ઘરમાં રહેલા પરિવારના પાંચમાંથી ચાર સભ્યો બહાર નીકળી ગયા હતા. પરંતુ એક રૂમમાં 15 વર્ષીય પ્રાંજલ ઉર્ફે પ્રાચી નામની સગીરા આગમાં ફસાઈ ગઈ હતી. જેથી ફાયર બ્રિગેડના જવાનોએ તેઓને બચાવવા માટેની કવાયત શરૂ કરી હતી. પ્રાચી આગમાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન પ્રાચીએ દમ તોડ્યો હતો.
ફાયરના બે જવાનોએ દોરડાથી લટકી સાતમા માળે પહોંચ્યા હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાતમા માળે 15 વર્ષીય પ્રાંજલ ફસાયેલી હોવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો આઠમા માળે પહોંચ્યા હતા અને ત્યાંથી દોરડું બાંધી અને ફાયર બ્રિગેડના બે જવાનો દોરડા વડે સાતમા માળે આગ લાગી હતી, તે મકાનમાં પહોંચ્યા હતા. ત્યાંથી દરવાજો તોડી અને ચાલુ આગમાં રહેલી પ્રાંજલ નામની સગીરાને બહાર કાઢી હતી.
નારાણપુરામાં આંખની હોસ્પિટલમાં લાગી હતી આગ
અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં 30 ડિસેમ્બર 2023ની મોડી રાત્રે આગ લાગ્યાના બનાવના સમાચાર આવી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે અમદાવાદના નારાપણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઈકેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આ આગ લગભગ મોડી રાત્રે 3 વાગ્યે લાગી હોવાનું જણાવાઈ રહ્યુ છે. આ આગ હોસ્પિટલના પહેલા માળે લાગી હોતી. સુત્રોમાંથી મળતી માહીતી પ્રમાણે આગમાં બે વ્યક્તિના મોત થચા છે. આગમાં મૃત્યુ પામેલા બે વ્યક્તિમાં સિક્યુરિટી દંપતી હોવાના સમાચાર છે. સુત્રોમાંથી સિક્યુરિટી ગાર્ડનું નામ નરેશભાઈ જાણવા મળ્યુ છે. હાલ આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઘટના રાત્રે બની હોવાનું તારણ, ફાયર બ્રિગેડને સવારે જાણ થઈ છે. સિક્યુરિટી ગાર્ડ અને તેના પત્નીનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી છે અને તે કામ પણ કરતું હતું.