અમદાવાદમાં ભાજપના નિકોલ વોર્ડના કોર્પોરેટ બલદેવ પટેલને કેટલાંક લોકોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટના બની છે. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત કોર્પોરેટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને માર મારનાર વ્યક્તિઓ વિરુદ્ધ કૃષ્ણ નગર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જાણો સમગ્ર ઘટનાક્રમ…
કોર્પોરેટને શા માટે માર માર્યો
આ સંપૂર્ણ ઘટનાનું મૂળ કારણ ટાઉન પ્લાનિંગ સ્કીમ છે અને તેમાં કેટલાંક લોકોના મકાન અને દૂકાન કપાતમાં જઇ રહ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીયે તો નિકાલ વોર્ડમાં આવેલા જનસેવા કેન્દ્રની નજીક શક્તિનગર વિસ્તારમાં ટીપી સ્કીમના અમલીકરણની તૈયારી ચાલી રહી છે. ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં આ વિસ્તારમાં હાલ જે 50 ફુટનો રોડ છે તેને 100 ફુટ બનાવવામાં આવશે જેમાં કેટલાંક મકાન-દુકાન કપાતમાં જઇ રહ્યા છે.
આ ઘટનનો ભોગ બનનાર નિકોલ વોર્ડના કોર્પોરેટ બળદેવ પટેલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યુ કે, જે લોકોના મકાન-દુકાન કપાતમાં જઇ રહ્યા છે તેઓ આ મામલે રજૂઆત કરવા ધારાસભ્ય બાબુલાલ જમનાદાસ પટેલની ઓફિસે ગયા હતા જ્યાં નિકોલ વોર્ડના કોર્પોરેટ બળદેવ ભાઇ પટેલ પણ હાજર હતા. ટીપી સ્કીમમાં કપાત મામલે સ્થાનિક લોકોએ તેમની રજૂઆતમાં ધારાસભ્યને કહ્યુ કે, ‘જો તેઓ કહેશે તો અમારા મકાન તૂટશે નહીં ’. ત્યારબાદ હું મારા ઘરે જઇ રહ્યો હતો ત્યારે મારી સોસાયટી જલતરંગની બહાર જ પાંચક લોકોનું ટોળું ઉભું હતું. હું મારી ગાડીમાંથી બહાર નીકળ્યો, તેવો જ તેઓએ મને માર મારવાનું શરૂ કરી દીધું. મારી સાથે પાંચક લોકોએ મારામારી કરી છે જેમાંથી હું એક વ્યક્તિ બટુકસિંહને ઓળખું છું.
ટીપી સ્કીમમાં 25 જેટલા મકાન-દુકાન કપાતમાં
કોર્પોરેટ બળદેવ પટેલે જણાવ્યુ કે, જે ટીપી સ્કીમને લઇને આ સમગ્ર ઘટના બની છે તેમાં હાલ 50 ફુટના રોડને 100 ફુટનો કરવાનું પ્લાનિંગ છે. જેમાં રોડ ઉપર બનેલા લગભગ 25 જેટલા મકાન-દુકાન કપાતમાં જઇ રહ્યા છે. જેમના મકાન-દુકાન કપાતમાં જઇ રહ્યા છે તેઓ ટીપી સ્કીમનો ભારે વિરોધ કરી રહ્યા છે.
હોસ્પિટલમાં દાખલ, પોલીસ ફરિયાદ થઇ
લોકોએ જાહેરમાં માર મારતા કોર્પોરેટ બળદેવ પટેલને માથાના ભાગમાં ઇજા થતા તેમને નિકોલની કાકડીયા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ઉપરાંત આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે.