Ahmedabad Bullet Train Accident: અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નિર્માણકાર્ય દરમિયાન 23 માર્ચ રવિવારે મોડી રાત્રે વિશાળ ક્રેન તૂટી પડી હતી. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી જો કે ઓવરહેડ વાયર તૂટી જતા મુંબઈ અમદાવાદ વચ્ચે રેલવે વ્યવહાર ખોરવાયો હતો. અમદાવાદ વડોદરા મુંબઇ વચ્ચે દોડતી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 11 ટ્રેનો રિશિડ્યુલ કે ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.
અમદાવાદ બુલેટ ટ્રેનની ક્રેન પડતા મોટી દૂર્ઘટના
અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક ટ્રેક નિર્માણની કામગીરી ચાલી રહી છે. 23 માર્ચ રવિવાર રાતે 11 વાગે આસપાસ બુલેટ ટ્રેનના ટ્રેક નિર્માણની કામગીરી દરમિયાન બે પિલ્લરને જોડતી વિશાળ ક્રેન અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી. માહિતી મુજબ અમદાવાદના વટવામાં વાયડક્ટ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી માંથી એક કોંક્રિટ ગર્ડર લોન્ચિંગની કામગીરી પતાવ્યા બાદ પાછી ખેંચી રહી હતી ત્યારે અચાનક ક્રેન તૂટી પડી હતી.
અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેનની વિશાળ ક્રેન તુટી પડતા અફરાતફરી મચી હતી. ક્રેન પડતા 2 વ્યક્તિને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. બુલેટ ટ્રેનની ક્રેન ધરાશાયી થવાના સમાચર મળતા જ રેલવે વિભાગ અને NHSRCLના અધિકારીઓ, પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
25 ટ્રેન રદ અને 11 ટ્રેન રિશિડ્યુલ કે ડાયવર્ટ
અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આ દૂર્ઘટનાથી ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ઓવરહેટ વાયર તૂટી જવાના કારણે અમદાવાદ વડોદરા મુંબઇ વચ્ચે દોડતી 25 ટ્રેનો રદ કરવામાં આવી હતી. ઉપરાંત 5 ટ્રેનનો સમય બદલાયો છે અને 6 ટ્રેનો ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. આ દૂર્ઘટના લીધે રેલેવ વિભાગ દ્વારા વડોદરાથી અમદાવાદ આવતી 10 ટ્રેનો રાત્રે જ તાત્કાલિક વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી હતી. તો જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનો પણ કેન્સલ કરવી પડી છે.
કઇ ટ્રેનો રદ કરવામાં આવી
રેલવે વિભાગ દ્વારા રદ કરાયેલી ટ્રેનોમાં વટવા-બોરીવલી એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, વડોદરા-વટવા ઇન્ટરસિટી, અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન, જામનગર-વડોદરા ઇન્ટરસિટી, વડનગર-વલસાડ-વડનગર એક્સપ્રેસ અને વટવા-આણંદ મેમુનો સમાવેશ થાય છે.

તો જે ટ્રેનો રિશિડ્યુલ કરવામાં આવી છે તેમા અમદાવાદ – એમજીઆર ચેન્નાઈ હમસફર એક્સપ્રેસ, રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ અને કેટલીક અન્ય ટ્રેનો સામેલ છે. ટ્રેન મુસાફરોની સગવડતા માટે રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા હતા.





