Ahmedabad boy murder : અમદવાદમાં કાયદો અને વ્યવસ્થા કથળતી જતી હોય એવું લાગે છે કારણ કે ગંભીર પ્રકારના ગુનાઓ દિવસને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને જાહેરમાં હત્યા કરવાનો ટ્રેન્ડ ચાલતો હોય એવું લાગી રહ્યું છે. ગુનેગારોને પોલીસનો ડર ન હોય એમ જાહેરમાં જ હત્યા જેવા ગુનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો પાલડીમાં બન્યો છે. પાલડીમાં વહેલી સવારે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. યુવકને કારથી ટક્કર માર્યા બાદ તેને છરીના ઘા ઝીંકી હત્યાર કરી હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પહેલા કારથી ટક્કર મારી અને પછી છરીના ઘા ઝીંક્યા
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરનાપાલડીના ભઠ્ઠા વિસ્તારમાં નામચીન યુવક નૈસલ ઠાકોર વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ અંજલી ફ્લાય ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશન પહેલા આવતી ગલી પાસે પહોંચ્યો, ત્યારે પાછળથી એક નંબરપ્લેટ વગરની સ્વીફ્ટ ગાડી આવી હતી.
નૈસલ ઠાકોરને કારથી જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ કારમાં આવેલા શખ્સો ગાડીમાંથી બહાર નીકળ્યા હતા અને છરીના ઘા માર્યા હતા. છરીના ઘા મારી નૈસલ ઠાકોરને રોડ ઉપર લોહીલુહાણ હાલતમાં મુકી ફરાર થઈ ગયાં હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નૈસલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, જોકે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પાલડી પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.





