Ahmedabad Murder : અમદાવાદના દિલ્હી દરવાજા પાસે મંગળવારે રાત્રે 19 વર્ષીય યુવકની કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે મૃતક કૃણાલ ઠાકોર (19) તેની મોટરસાઈકલ પર માધવપુરા પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો, જ્યારે તેને ખબર પડી કે તેની માતા ભાવના, દશરથ ઉર્ફે કાલો નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જઈ રહી છે. જેમની સાથે પરિવારને થોડા મહિના પહેલા ઝઘડો થયો હતો.
બુધવારે વહેલી સવારે ચાર લોકો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓની ઓળખ કરણ મહેન્દ્રભાઈ રાજપૂત, પિયુષ મહેશભાઈ ઠાકોર, ચિરાગ ઠાકોર અને રાજ લક્ષ્મણ ઠાકોર તરીકે થઈ છે.
આ મામલે કૃણાલના પિતા દિલીપભાઈ રમેશભાઈ ઠાકોર (49)ની ફરિયાદના આધારે માધવપુરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ દિલીપભાઈ તેમના મિત્રો અને સંબંધીઓ સાથે જૂના માધવપુર ચોકડી પર બેઠા હતા, જ્યાં રાજ અને દશરથ પણ હાજર હતા. એફઆઈઆરમાં જણાવાયું છે કે, રાજે પહેલા અપશબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કરતાં જ, ભાવનાએ દશરથ સાથે ઝઘડો શરૂ કર્યો હતો.
રાજ અને દશરથ વચ્ચે શું સંબંધ છે, તે અંગે પોલીસે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
એફઆઈઆરમાં જણાવાયું છે કે, ભાવના થોડા મહિનાઓ પહેલા દશરથ વિરુદ્ધ તેમના ઝઘડાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન જવા નીકળી હતી, કૃણાલને આ ખબર પડતા તે માધવપુરા પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગયો હતો. ફરિયાદ અનુસાર, ” તે સમયે, લક્ષ્મી નમકીન પાસે તેને છરો મારવામાં આવ્યો હતો, તેને નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.”
પોલીસે જણાવ્યું કે, ત્રણ-ચાર મહિના પહેલા કૃણાલના પરિવાર અને દશરથ દ્વારા એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મદદનીશ પોલીસ કમિશનર (I-ડિવિઝન) DV રાણાએ જણાવ્યું હતું કે, “પોલીસે હત્યામાં સામેલ ચાર લોકોની ઓળખ કરી છે. એકે ગુનો કર્યો હતો અને અન્ય ત્રણ તેનો સાથ આપી રહ્યા હતા. ત્રણ-ચાર મહિના પહેલા પણ, આ પક્ષકારો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તપાસ ચાલુ છે. તેમની ફરિયાદમાં દિલીપભાઈએ આક્ષેપ કર્યો હતો કે, દશરથ દ્વારા તેમના પરિવાર સાથેની અંગત અદાવતના કારણે આ એક “પૂર્વયોજિત કાવતરું” હતું.
અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.





