Ahmedabad Danilimda Village Fire : અમદાવાદના દાણીલીમડા ગામમાં એક રેસિડેન્સિયલ ફ્લેટમાં વહેલી સવારે આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક 15 વર્ષના બાળકનું મોત થયું છે, જ્યારે 8 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં બે લોકો વધારે દાઝતા ગંભીર હાલત. ફાયર બ્રિગેટની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે.
દાણીલીમડાના ખ્વાજા ફ્લેટમાં આગ
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના દાણીલીમડા ગામમાં પટેલવાસમાં બનેલા ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે 6.00 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગતા જ રહિશોમાં દોડધામ મચી ગઈ હતી. ફ્લેટના પાર્કિંગમાં મીટરમાં આગ લાગી અને છેક બીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. આ આગની ઘટનામાં 15 વર્ષના બાળકનું મોત થયું છે, જ્યારે માતા સહિત અન્ય 8 લોકોને સારવાર માટે મણિનગર એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ફાયરની ગાડી પણ પહોંચી ન શકે તેવી ગલીમાં બન્યો છે ફ્લેટ
ઘટનાની જાણ ફાયર વિભાગને થતા જ જમાલપુર ફાયર સ્ટેશનથી બે ગાડીઓ ટીમ સાથે રવાના થઈ ગઈ હતી. દાણીલીમડા ગામમાં જે ફ્લેટમાં આગ લાગી હતી, તે રસ્તો સાકડો હોવાના કારણે ફાયરની ટીમ છેક ફ્લેટ સુધી પહોંચી શકી ન હતી. સાંકડી ગલીમાં ફ્લેટ બનેલો હતો, જ્યારે પાર્કિંગની પણ કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ફાયરની ટીમને આગ પર કાબુ મેળવવા મથામણ કરવી પડી હતી.
15 દિવસના બાળકનું મોત, બે લોકો વધુ દાઝતા સારવાર હેઠળ
રહિશો અનુસાર, વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ પાર્કિંગમાં રહેલા મીટરમાં લાગી હોવાનું અનુમાન છે, લોકો કઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ અને છેક બીજા માળ સુધી આગની લપેટો ફેલાઈ ગઈ. લોકો બચવા માટે સીડીનો ઉપયોગ કરવા ગયા, જેમાં એક 15 વર્ષના બાળ સહિત ત્રણ લોકો વધારે દાઝી ગયા હતા. આ ઘટનામાં માસૂમ બાળકનું મોત થયું છે, જ્યારે બે લોકો વધારે દાઝ્યા છે, જેમની સારવાર મણિનગર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ સિવાય અન્ય 6 લોકોને ધુમાડાની અસર થવાની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો – વડોદરા : જાંબુઆ તરસાલી વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના પાંચના મોત, પાંચ વર્ષની બાળકી નિરાધાર બની
તમને જણાવી દઈએ કે, ફાયગર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે. આગ મીટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફ્લેટ સાંકડો હોવાના કારણે, અને પાર્કિંગની જગ્યા ન હોવાના કારણે લોકોના વાહનો પણ મીટરની આસપાસ પડ્યા હતા, જેમાં ટુવ્હીલર, સાયકલ સહિતના વાહન પણ આગમાં બળી ગયા હતા, ત્યારબાદ આગ ફેલાઈ હતી અને બીજા માળ સુધી તેની લપેટો પહોંચી ગઈ હતી.