ahmedabad Iskcon bridge accident : અમદાવાદ શહેરના સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે પર ઈસ્કોન મંદિર પાસેના ફ્લાયઓવર પર ગુરુવારે સવારે થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને 13 અન્ય ઘાયલ થયા છે. ગુજરાત પોલીસે તેને “હિટ-એન્ડ-રન” તરીકે વર્ણવ્યું હતું, જેમાં “જગુઆર” લક્ઝરી કાર સામેલ હતી.
“અત્યાર સુધી નવ લોકોના મોત નીપજ્યા છે અને 13 લોકો ઘાયલ થયા છે, આ અકસ્માત સવારે 1 વાગ્યે થયો હતો. શહેર પોલીસ કંટ્રોલ રૂમના સૂત્રોએ જણાવ્યું હતું કે, તે જગુઆર કારને કારણે અથડામણ થઈ હતી.
અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનોના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. એક મૃતકનાા પિતા સતત ડોક્ટરને કહેતા રહ્યા મારા દીકરાને બચાવી લો, હજુ તેનામાં જીવ હશે, તેને વેન્ટીલેટર પર લો, પંપીંગ કરો. આ દ્રશ્ય જોઈ હોસ્પિટલમાં લોકોના આંખમાં આંસુ આવી ગયા હતા.
આ અકસ્માતમાં કોઈએ દીકરો તો કોઈએ ભાઈ ગુમાવતા દરેક મૃતક પરિવારના આંખમાં આંસુઓની નદીઓ વહી રહી હતી. હોસ્પિટલ તંત્ર અને પોલીસ પીડિત પરિવારો સાથે સંવેદના વ્યક્ત કરી તેમને હિમ્મત આપી રહી છે.
હોસ્પિટલમાં લાવવામાં આવેલા કુલ 12 લોકોમાંથી 9 લોકોના મોત થયા હતા. સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર કૃપા પટેલે ANIને જણાવ્યું કે, ઘાયલોની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વહેલી સવારે 1.30 કલાકે અકસ્માત પીડિતોને સોલા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જેમાંથી 8 લોકોના પહેલાથી મોત થઈ ચુક્યા હતા, જ્યારે એકે સારવાર દરમિયાન પ્રાણ રોકી દીધા હતા. ત્રણની હાલત ગંભીર હોવાથી તેમને અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મેડિકલ ઓફિસરે વધુમાં જણાવ્યું કે, મૃતકોમાં ત્રણ ચાર યુવકો 18 થી 23 વર્ષના હતા, જ્યારે અન્ય 25થી 40ની ઉંમરના હતા. જેમાં 2 પોલીસકર્મી પણ સામેલ છે.
પોલીસે જણાવ્યું કે, કારનો ડ્રાઈવર – સત્ય પટેલ – જે ઈજાગ્રસ્તોમાંનો એક છે, તે નિરીક્ષણ હેઠળ છે. ANI દ્વારા ટાંકવામાં આવેલા DCP ટ્રાફિક પશ્ચિમ નીતા દેસાઈના જણાવ્યા અનુસાર ડૉક્ટર સાથે વાત કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.
ઈસ્કોન મંદિર પાસેના ફ્લાયઓવરને પોલીસે હંગામી ધોરણે બંધ કરી દીધો છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સવારે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકારે અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાનું નક્કી કર્યું છે.