ahmedabad iskcon bridge accident : અમદાવાદમાં વહેલી સવારે 1 વાગ્યાની આસપાસ એક થાર ગાડીને અકસ્માત સર્જાય છે. જેને જોવા અને મદદ માટે લોકોનું ટોળુ હાઈવે પર ઉભુ હોય છે ત્યારે અચાનક એક જેગુઆર કાર ભારે સ્પીડ સાથે આવે છે અને ટોળામાં ઉભેલા લોકોને ફૂટબોલની જેમ ફંગોળે છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ત્રણની હાલત વધારે ખરાબ હોવાથી અસારવા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં મોતને ભેટનારમાં 4 18થી 25 વર્ષના યુવાન, અન્ય 25થી 40 વર્ષના યુવાનો છે. જેમાં એક પોલીસ કર્મી અને એક હોમગાર્ડનો પણ સામેલ છે.
અકસ્માતની જાણ મૃતકોના પરિવારને થતા લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. એક મૃતકના પિતા ડોક્ટરને આજીજી કરે છે, મારા દીકરાને સાહેબ બચાવી લો, તેને પંપીંગ કરો, વેન્ટીલેટર પર લો. તેનામાં જીવ પાછો આવી શકે છે. લોકો તેમને આશ્વાસન આપી શાંત કરવાનો પ્રયત્ન કરે છે. મૃતકોના પરિવારના વલોપાત અને હૈયાફાટ રૂદનથી હોસ્પિટલ ગુંજી ઉઠે છે. પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ પણ લોકોને શાંત કરવાનો પ્રયત્ન કરે છે, દરેક લોકોના આંખમાં આંસુઓની નદીઓ વહે છે. ત્યારે આ કરૂણ ઘટના બાદ દરેક લોકો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, 9-9 લોકોની જિંદગી અને તેમના પરિવારની શાંતી હણી લેનાર તથ્ય પટેલ કોણ છે?.
તથ્ય પટેલ કોણ છે?
તથ્ય પટેલ 19 વર્ષનો સુખી સંપન્ન ઘરનો યુવાન છે. જેના પર આરોપ છે કે, તેમે ભારે સ્પીડ સાથે કાર હંકારી ટોળાને ફંગોળ્યા જેમાં 9 લોકોના મોત થયા છે. તથ્ય પટેલના પિતાનું નામ પ્રજ્ઞેશ પટેલ છે, જે એક બિલ્ડર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તથ્ય પટેલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, અને ગોતા રહે છે. સૂત્રો અનુસાર, અકસ્માત સર્જાયો ત્યારે તથ્યની સાથે કારમાં એક યુવતી અને અન્ય યુવાન પણ હતો, પોલીસ તેમની પણ તપાસ કરી રહી છે, અને તેમને શોધીને તેમના નિવેદન લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. તથ્ય પટેલ અમદાવાદના ગોતા વિસ્તારમાં ગોકુલ ફાર્મની સામે એક હરે શાંતિ બંગ્લોમાં રહે છે.
પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ગેંગરેપ કેસમાં આરોપી
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પણ એક 23 વર્ષિય યુવતીને ડ્રગ્સ કે નશાકીય પદાર્થ આપી વારંવાર ગેંગરેપ કરવાનો આરોપ છે. 2020માં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેને સારી નોકરી આપવાની લાલચ આપી પાંચ લોકો દ્વારા અલગ-અલગ સ્થળે લઈ જઈ નશાકીય પદાર્થ પીવડાવી તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે. યુવતીની ફરિયાદ અનુસાર, આરોપીઓ તેને પહેલા આબુ અને પછી ઉદેપુર લઈ ગયા, ત્યાં કોલ્ડીંકમાં દારૂ ભેળવી પીવડાવવામાં આવ્યો, ત્યારબાદ તેની સાથે પાંચ લોકોએ સામુહિક દુષ્કર્મ આચર્યું, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે યુવતીએ અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ, જિતેન્દ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નીલમ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ મહિલાને નોકરી અપાવવાનું વચન આપ્યું હતું અને 2020માં ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન અનેક વખત તેણી પર દબાણ કર્યું હતું. જયમીન પટેલ, પ્રજ્ઞેશ પટેલ, જીતેન્દ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ અને નીલમ પટેલ, તમામ અમદાવાદના રહેવાસીઓ પર ગેંગરેપ માટે ભારતીય દંડ સંહિતાની કલમ 376D, ફોજદારી ષડયંત્ર માટે 120b, વિશ્વાસભંગ માટે 406, અપહરણ માટે 362, અશ્લીલતા માટે 294b અને ફોજદારી ધમકી માટે 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતનો Live Video – જુઓ કેવી સ્પીડમાં કાર આવી અને લોકોને ફંગોળ્યા
તથ્ય પટેલની ધરપકડ કેમ નથી થઈ?
ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જયા બાદ લોકોએ તેની કારની બહાર કાઢી મેથીપાક આપ્યો હતો, તેનો પણ વીડિયો વાયરલ થયો છે. આ ઘટનામાં તથ્ય પટેલ ઈજાગ્રસ્ત થયો હતો, તેને તેના પિતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તથ્ય પટેલની હજુ ધરપકડ નથી કરાઈ શકી, કારણ કે તેની સારવાર પણ હોસ્પિટલમાં ચાલી રહી છે. ડોક્ટરોએ કહ્યું છે કે, હજુ બે રિપોર્ટ કાઢવાના છે, ત્યારબાદ આરોપીની ધરપકડ કરી શકો છો. ડીસીપીએ કહ્યું કે, પોલીસ આરોપી પર સતત નજર રાખી રહી છે, જેવી તેની સારવાર પતશે એટલે તેની ધરપકડ કરવામાં આવશે, અને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.