/indian-express-gujarati/media/media_files/2026/01/22/nri-tower-2026-01-22-09-57-22.jpg)
અમદાવાદમાં જજીસ બંગલો રોડ પર NIR ટાવર Photograph: (google)
Ahmedabad crime news: અમદાવાદના પોશ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે ખુની ખેલ ખેલાયો હતો. અમદાવાદના જજીસ બંગલો રોડ ઉપર આવેલા એનઆરઆઈ ટાવરમાં થોડા મહિના પહેલા પરિણેલા કપલ વચ્ચે ઝઘડો થયા બાદ ખૂની ખેલ ખેલાયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે પતિએ પત્નીને ગોળી મારી અને ત્યારબાદ પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. અને ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પત્નીને ગોળી મારી 108ને ફોન કર્યો
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ NRI ટાવરમાં નિવાસ કરતા હતા. ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવીને યશરાજે પોતાની પાસે રહેલા હથિયાર વડે પત્ની રાજેશ્વરી પર ફાયરિંગ કર્યું હતું.
ગોળી વાગતાની સાથે જ રાજેશ્વરી લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડી હતી. પત્નીને જમીન પર ઢળેલી જોઈ ગભરાયેલા યશરાજે તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ તબીબોએ તપાસતા રાજેશ્વરીને મૃત જાહેર કરી હતી.
યશરાજે પોતાને પણ ગોળી મારી આપઘાત કર્યો
જ્યારે 108નો સ્ટાફ કાર્યવાહી પૂર્ણ કરી ઘરની બહાર નીકળ્યો, તે જ ક્ષણે યશરાજે પણ તે જ હથિયાર વડે પોતાના માથે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
ઉચ્ચ અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
પોલીસને જાણ કરતા ઝોન 1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સમગ્ર બનાવમાં દંપતીનું મોત થયું છે. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ ઝઘડાનું કારણ જાણવા મળ્યું નથી, વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ- પશ્ચિમ રેલ્વે દ્વારા વેરાવળથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ટ્રેનની જાહેરાત, જાણો કયાં સ્ટેશનો પર સ્ટોપેજ?
ઉલ્લેખનીય છે કે, મૃતક ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2માંથી વર્ગ 1 થયા હતા. મૃતક યશરાજસિંહ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા હોવાનું માલુમ પડે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us