Ahmedabad Kutch Highway Accident : અમદાવાદ કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને આઈસર વચ્ચે અકસ્માતમાં એક જ ગામના ચાર યુવાનના ઘટના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. અકસ્માતના સમાચાર ગામમાં મળતા જ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
એક જ ગામના ચાર યુવાનોના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રાંગદ્રા બાયપાસ હાઈવે પર સ્વિફ્ટ કારમાં સવાર યુવાનો લગ્ન પ્રસંગ પતાવી ઘરે પોતાના ગામ જઈ રહ્યા હતા, ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો અને આઈસર સાથે ટક્કર થઈ હતી. કારમાં 6 લોકો સવાર હતા, જેમાંથી ચાર યુવાનોના સ્થળ પર જ કરૂણ મોત થયા છે, જ્યારે બેની ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે
હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો
કચ્છ અમદાવાદના મેઈન હાઈવે પર અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરવાની સાથે ઘાયલોને સારવાર માટેઅને મૃતકોને પીએમમાટે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કેવી રીતે અકસ્માત સર્જાયો?
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ચારે યુવાન હળવદના ગોલાસણ ગામના હોવાનું સામે આવ્યું છે. યુવાનો ધ્રાંગધ્રાના નરાડી ગામે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા, જ્યારે તેઓ ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદી સામેના રોડ પર પહોંચી ગઈ અને સામેથી આવી રહેલી આઈસર સાથે ભટકાઈ હતી.
અકસ્માતમાં ભોગ બનનાર યુવાનો કોણ?
અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા, એન્જિન સહિત સ્પેરપાર્ટ અનેક ફૂટના અંતરે જઈ પડ્યા હતા. પોલીસે અકસ્માતનો બોગ બનનાર યુવાનોની ઓલક કરી છે, જેમાં ઉમેશ ઠાકોર, કિરણ ઠાકોર, કરશન ઠાકોર, અને કાના ભૂપત ઠાકોરના મોત થયા છે, જ્યારે કાના રાયધન ઠાકોર અને અમિત ઠાકોરને ગંભીર ઈજા પહોંચતા તેમને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો – Surat Chemical Company Fire | સુરત કેમિકલ કંપની આગ : સાત કામદારો આગમાં ભડથું, માનવ કંકાલ મળ્યા, 8 ની હાલત ગંભીર
હળવદના ગોલાસણના એક જ ગામના યુવાનોના મોતથી પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, ગ્રામજનોના ટોળે ટોળા ધ્રાંગધ્રા હોસ્પિટલ ઉમટ્યા છે. હોસ્પિટલમાં રોકકળથી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. હાલમાં પોલીસે ટ્રાફિક જામ દુર કરી અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.