અમદાવાદમાં આઈપીએલની મેચોના કારણે મેટ્રો ટ્રેનનો સમય બદલાશે, સ્પેશ્યલ ટિકિટ આટલા રૂપિયામાં મળશે

ahmedabad metro train schedule : આઈપીએલ મેચ માટે મેટ્રો ટ્રેન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમ માટે રાતના 12:30 સુધી મેટ્રો સેવા મળી રહેશે

Written by Ashish Goyal
March 22, 2025 18:02 IST
અમદાવાદમાં આઈપીએલની મેચોના કારણે મેટ્રો ટ્રેનનો સમય બદલાશે, સ્પેશ્યલ ટિકિટ આટલા રૂપિયામાં મળશે
ahmedabad metro train : અમદાવાદ મેટ્રો ટ્રેન (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

ahmedabad metro train schedule : આઈપીએલ 2025ની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ મેચો રમાવાની છે. અમદાવાદમાં રમાનાર IPL મેચ દરમિયાન GMRCનો મોટો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 25 માર્ચ, 29 માર્ચ, 9 એપ્રિલ, 2 મે અને 14 મે ના રોજ યોજાનારી આગામી IPL-2025 ની ડે-નાઈટ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, GMRCએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6:20 વાગ્યાથી રાત્રે 12:30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે.

રાત્રે 10 વાગ્યાથી રાતના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોની બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.

આ ઉપરાંત જીએમઆર સીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે ઉપર દર્શાવેલ IPL મેચોના દિવસોમાં મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે.

સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ આ પ્રમાણે છે

  • સ્પેશ્યલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ 50 રૂપિયા રહેશે, જેનો ઉપયોગ લંબાવેલ સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોની બંને લાઇન પરના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી માટે થઈ શકશે.

  • સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ સાથેની એન્ટ્રી પણ રાબેતા મુજબ રાત્રે 10:00 વાગ્યા સુધી નિયમિત ભાડા પર ઉપલબ્ધ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપ થી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR/TOKEN) રાતના 10:00 વાગ્યા પછી માન્ય રહેશે નહીં.

  • રાતના 10:00 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન માં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ માન્ય રહેશે.

  • સ્પેશ્યલ પેપર ટિકિટ મેચના દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.

  • મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ રાબેતા મુજબ જ રહેશે.

  • આ દરમ્યાન અમદાવાદમાં મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. રાતના 10 વાગ્યાથી રાતના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી દર 6 મિનિટે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે.

  • મોટેરા મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેનનો ઉપડવાનો સમય રાતના 12:30 વાગ્યાનો રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ