Mithakhali village building collapsed : અમદાવાદમાં વધુ એક જર્જરીત મકાન ધરાશાયી થયું છે. મીઠાખળી ગામમાં વહેલી સવારે મકાન ધરાશાયી થતા ચકચાર મચી ગઈ છે. પરિવાર સવારે ઊંઘતો હતો મકાન ધરાશાયી થતા આખો પરિવાર કાટમાળ નીચે દટાયો, જેમાં એકનું મોત થયું છે, તો પાંચ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં મીઠાખળી ગામમાં વિસ્તારમાં વહેલી સવારે એક જર્જરીત જુનુ મકાન ધરાશાયી થયું હતું. જેમાં એક જ પરિવારના 6 લોકો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા પોલીસ કાફલો અને ફાયર બ્રિગેટની ટીમે ઘટના સ્થળ પર પહોંચી અને પીડિતોને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે મોકલવામાં આવ્યા. આ ઘટનામાં એકનું મોત થયું છે, તો પાંચને નાની મોટી ઈજા પહોંચી છે.
વિગતવાર વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મધ્યમ હળવો વરાસદ વરસી રહ્યો છે, જને પગલે નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીઠાખળી ગામમાં એક 60 વર્ષ જુનુ મકાન આજે વહેલી સવારે અચાનક ધરાશાયી થયું હતું. વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ ઘટના બનતા રહેવાસી પરિવાર કાટમાળ નીચે દટાયો હતો. પાડોશીઓએ તુરંત તંત્રને જાણ કરતા ફાયર ટીમ તથા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને રેસક્યુ શરૂ કર્યું હતું. લગભગ 30 મીનિટની ભારે જહેમત બાદ કાટમાળ નીચે દટાયેલા લોકોને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા અને 108 દ્વારા તતકાલીન સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એકનું મોત નિપજ્યું છે, જ્યારે પાંચ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે.
નવરંગપુરા પોલીસ સ્ટેશન પીઆઈ કે એ દેસાઈએ ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીને માહિતી આપી હતી કે, મીઠાખળી ગામમાં એક મકાન ધરાશાયી થયું છે, જેમાં એકનું મોત નિપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય પાંચ સભ્યોને નાની મોટી ઈજા પહોંચી છે. મકાન લગભગ 60 વર્ષ જુનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અહીં દાતણીયા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. જેમાં વિનદભાઈ દાતણિયા (ઉ. 60)નું મોત નિપજ્યું છે. આ સિવાય એક 2 વર્ષની બાળકી સહિત પરિવારના અન્ય પાંચ સભ્યોને નાની મોટી ઈજા પહોંચી છે,જેમને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતા એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિત શાહ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, તેમણે પોલીસ અને કોર્પોરેશન તંત્ર પાસેથી ઘટનાની માહિતી લઈ હોસ્પિટલ તંત્રને ઘાયલ લોકોને સારવારની સુવિધા મળે તે મામલે ફોન કર્યો હતો. આ સિવાય પરિવારના સભ્યોને જરૂરી મદદનું આશ્વાસન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ભારે વરસાદને પગલે 10 દિવસ પહેલા મણિનગરના ઉત્તમ નગર વિસ્તારમાં એક સ્લમ ક્વાર્ટરમાં ચોથામાળની બાલ્કની ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું હતું, જેમાં ફાયર વિભાગે 30 લોકોનું રેસક્યુ કર્યું હતું અને સહી સલામત લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.





