Stray Cattle Control Policy AMC : અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર કડક ટકોર કર્યા બાદ કોર્પોરેશન દ્વારા આ સમસ્યાના નિવારણ માટે પશુ નિયંત્રિત પોલીસી બનાવવામાં આવી અને દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. જેમાં દૂધાળા પશુ રાખવા માટે લાયન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જ્યારે વ્યક્તિગત પશુ રાખવા માટે પરમિટ ફી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ પશુ નિયંત્રિત પોલીસી અનુસાર, દૂધાળા પશુ રાખવા 3 વર્ષ માટે રૂપિયા 500 ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે વ્યક્તિગત પશુની પરમિટ માટે રૂપિયા 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલ નિયમ અનુસાર, 90 દિવસની અંદર દરેક શહેરી પશુપાલકે લાયસન્સ કે પરમિટ મેળવી લેવાની રહેશે. જો લાયસન્સ કે ટેગ નહીં મેળવેલું હોય અને રખડતું ઢોર પકડવામાં આવશે તો તેને છોડવામાં આવશે નહીં.
શહેરમાં પશુ રાખવા મામલે કેવા નિયમો બનાવવામાં આવ્યા
01 – દુધાળા પશુ રાખવા માટે ત્રણ વર્ષ માટે 500 રૂપિયા લાયસન્સ ફી
02 – વ્યક્તિગત પશુ રાખવા માટે 250 પરમિટ ફી
03 – પશુ રાખવાની જગ્યા ન હોય તેવા પશુ પાલકે તેના ઢોર તત્કાલીન શહેરની હદ બહાર ખસેડી દેવા પડશે
04 – રોડ રસ્તા પર કોઈ ઘાસચારો ખવડાવી નહી શકે
05 – ઘાસચારાના વેચાણ માટે પણ લાયસન્સ લેવું ફરજિયાત રહેશે
06 – ગાયને ઘાસચારો ખવડાવવાની ઈચ્છા ધરાવતા લોકો સિવિક સેન્ટર પર પૈસા જમા કરાવી શકશે, આ રકમમાંથી ઘાસચારો લેવામાં આવશે જેથી લોકોની ધાર્મિક લાગણી સચવાશે
07 – ધાર્મિક તહેવાર પર ઢોરવાડા પર જઈ લોકો ગાયને ઘાસચારો ખવડાવી શકશે
08 – પશુપાલક શહેર બહારથી પશુ લાવે એક મહિનાની અંદર પશુ નોંધણી, આરએફડી ચીપ ટેગ, તથાલાયસન્સ-પરમિટની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે
09 – આરએફડી ચીપ ટેગ 2 મહિનામાં કરાવી લેવામાં આવશે, જો ન કરાવાવમાં આવ્યું તો બે મહિના બાદ પશુ દીઠ 1000 રૂપિયા ચાર્જ વસુલવામાં આવશે.
10 – પોલીસી અમલમાં આવ્યા બાદ જો ચાર મહિના પછી કોઈ પશુને આરએફડી ચીપ ટેગ લગાવવાની બાકી હશે અને ઢોર પકડાશે, તો તે ઢોર છોડાવી નહીં શકાય. અને ઢોરને શહેર બહાર મોકલી દેવામાં આવશે.
11 – જો કોઈ કારણસર ટેગ તૂટી જાય તો 500 રૂપિયા ચાર્જ સાથે નવો ટેગ બનાવી લેવો પડશે, સાથે દંડ, ખોરાકી ખર્ચ વગેરે વસુલ કરી પશુ છોડવામાં આવશે.
12 – એક જ માલિકના જુદા-જુદા ઢોર પકડાશે, તો પશુ કાયમી ધોરણે જપ્ત કરવાની સાથે લાયસન્સ-પરમિટ રદ કરી દેવામાં આવશે, અને ક્યારે પણ તે પશુપાલક પશુ રાખી શકશે નહી
13 – જે પશુ રસ્તા પરથી પકડવામાં આવ્યા હોય અને તેને કોઈ છોડાવવા ન આવે તેની હરાજી કરાશે, જો કોઈ ખેડૂત લઈ જવા આવે તો તેને સાતબારનો ઉતારો અને ગામની વિગત રજુ કરશે તેને વિનામુલ્યે આપવામાં આવશે.
14 – રખડતા ઢોર મામલે તમામ જવાબદારી પશુપાલકની રહેશે, જો રખડતા ડોરથી કોઈ નાગરીકને જાન-માલનું નુકશાન થાય તો તે અંગે પશુપાલક માલિક સામે સિવિલ- ફોજદારી મુજબ વળતર, નુકશાન વસુલાત માટે કાર્યવાહી કરી શકાશે.
15 – જો કોઈ પશુ એકથી વધુ એટલે કે બે વખત પકડાય તો, બે ગણો ચાર્જ. જો ત્રીજી વખત પકડાશે તો, પશુ કાયમી ધોરણે જપ્ત કરાશે અને પશુ પાલકને આપવામાં આવેલ લાયસન્સ – પરમિટ રદ કરી દેવાશે, જેથી તે પશુપાલક ફરી ઢોર રાખી નહીં શકે.
આ સિવાય કોર્પોરેશનની પોલીસીની જોગવાઈમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા જમીન ફાળવણી થઈ ગયા બાદ એનિમલ હોસ્ટેલ બનાવવાની કામગીરી કરાશે. તો દરેક ઝોનમાં જ પશુઓની સંખ્યાના આધારે કેટલ પોન્ડ તમામ સુવિધા સાથે બનાવવામાં આવશે. આ સિવાય ફ્રેન્ડસ ઓફ ઝૂની યોજનાની જેમ પ્રેન્ડ્સ ઓફ કેટલ યોજના શરૂ કરવામાં આવસે. ઢોર વાડાના સ્થળનું સી.એન.સીડી વિભાગ દ્વારા મેપિંગ કરવામાં આવશે. પશુપાલકો માટે એનિમલ હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે, જેમાં પશુપાલકો પશુને લઈ તેમને મુંઝવતા પ્રશ્નો, પશુ સ્વાસ્થ્ય વગેરે પ્રશ્નો પુછી નિવારમ કરી શકશે.
અમદાવાદ કોર્પોરેશન પાસે રખડતા ઢોર રાખવાની વ્યવસ્થા કેટલી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમા શહેરમાં દાણીલીમડા, બોકરોલ અને નરોડામાં એમ ત્રણકેટલ પોન્ડ છે, જેમાં 3700 જેટલા પશુ રાખવાની વ્યવસ્થા છે. કોર્પોરેશન દ્વારા શહેરના 48 વોર્ડમાંથી દર મહિને લગભગ એક હજારથી વધુ ઢોર પકડવામાં આવે છે. જો કોઈ ઢોર છોડાવવા માટે ન આવે તો, હરાજીમાં આપી શકાય તેવા ઢોર હરાજી કરવામાં આવે છે. બાકીના ઢોર પાંજરાપોળ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે છે.