Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થતા કુલ 265 લોકોના મોત થયા છે. માત્ર 1 પેસેન્જરનો ચમત્કારી બચાવ થયો છે. પ્લેન ક્રેશ થતા જ વિકરાળ આગ લાગતા સળગી ઉઠ્યું અને વિમાનમાં સવાર પેસેન્જર જીવતા ભડથું થઇ ગયા હતા. કાટમાળ હટાવી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી તે દરમિયાન એક પુસ્તક મળી આવ્યું. સૌથી નવાઇની વાત એ છે કે, વિકરાળ આગમાં પણ આ પુસ્તક સળગ્યું નથી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
એર ઈન્ડિયા વિમાન બળીને ખાખ પણ પુસ્તક સહી સલામત
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે બપોરે 1.40 વાગેની આસપાસ ક્રેશ થઇ ગઇ છે. વિમાન ટેક ઓફ થયાની થોડીક જ મિનિટમાં મેડિકલ હોસ્ટેલ પર ક્રેશ થયું. પ્લેન ક્રેશ થયા બાદ વિમાનના કાટમાળ માંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક પુસ્તક સહી સલામત મળી આવ્યું હતું. આ પુસ્તક હતું ભગવત ગીતા.
આ પુસ્તક દૂર્ઘટનાગ્રસ્ત વિમાનમાં જીવ ગુમાવનાર કોઇ પેસેન્જરનું હોવાનું મનાય છે. આશ્ચર્યની વાત એ છે કે, પ્લેન ક્રેશ થતા વિમાન અને તેમા બેઠેલા પેસેન્જર બળીને ખાખ થઇ ગયા જ્યારે ભગવત ગીતા પુસ્તકને ઊંચી આંચ પણ લાગી નથી.