Ahmedabad Plane Crash : અમદાવાદના મેઘાણીનગરમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ છે. 12 જૂન, 2025ના રોજ બપોરે એર ઈન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી મિનિટો બાદ નજીકમાં આવેલી એક મેડિકલ કોલેજના પરિસરમાં જ ક્રેશ થઇ ગઇ હતી. આ વિમાન ક્રેશ દૂર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત થયા છે. જો કે સદનસીબે ફ્લાઇટમાં સવાર એકમાત્ર પેસેન્જર જીવત રહ્યો છે. તે ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે અને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જેમણે કાં તો છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કરાવી હતી અથવા તો કોઇ કારણસર પોતાની ફ્લાઇટ ચૂકી ગયા હતા, હવે તેઓ ભગવાનનો આભાર માનતા થાકતા નથી. ભરૂચની ભૂમિ ચૌહાણ તેમાંથી એક છે.
ગુજરાતના ભરૂચમાં રહેતી ભૂમિ ચૌહાણ ગઈકાલે એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ AI-171 ચૂકી ગઈ હતી. અમદાવાદના ટ્રાફિકને કારણે તે એરપોર્ટ મોડી પહોંચી હતી. ભૂમિના પિતાએ જણાવ્યું હતું કે, “ટ્રાફિકને કારણે અમે એરપોર્ટ મોડા પહોંચ્યા હતા. અમે વિનંતી કરી પણ તેઓએ અમને જવા દીધા નહીં. અમે જ્યારે એરપોર્ટની બહાર આવ્યા ત્યારે અમને સમાચાર મળ્યા કે વિમાન ક્રેશ થયું છે.”
ભૂમિ ચૌહાણની માતા કહે છે, “અમે અમારી પુત્રીની રક્ષા કરવા બદલ માતાજીનો આભાર માનીએ છીએ. તેમણે તેના બાળકને મારી પાસે મુક્યું હતું અને આ બધું માતાજીના આશીર્વાદથી થયું છે; તે બાળકને કારણે જ તે મારી સાથે છે.
એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચા જીવ બચી ગયો
એએનઆઇ સાથે વાત કરતા ભૂમિ ચૌહાણે જણાવ્યું કે, “અમે 10 મિનિટ મોડા ચેક ઇન ગેટ પર પહોંચ્યા હતા પરંતુ તેઓએ મને પરવાનગી આપી ન હતી અને હું પરત ફરી હતી. તેમણે કહ્યું કે આનાથી ફ્લાઇટમાં વધુ વિલંબ થશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકને કારણે હું મોડી પહોંચી હતી. જ્યારે મને ખબર પડી કે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે, ત્યારે હું સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગઇ. હું મારી માતાજીનો આભાર માનું છું કે હું સલામત છું પરંતુ આ ઘટના ખૂબ જ ભયાનક છે. ”
ફ્લાઇટની તારીખ આગળ વધારતા જીવ બચ્યો
ગુરુવારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નહીં બેસવાનો નિર્ણય કર્યા બાદ સવજીભાઈ ટીંબડિયા પોતાનો જીવ બચાવવા બદલ ભગવાનનો આભાર માન્યા વિના રહી શક્યા નથી. “હું મારા જીવન માટે સ્વામિનારાયણનો ઋણી છું અને મને બચાવવા બદલ તમામ દેવી-દેવતાઓનો આભાર માનું છું. ’’
આ પણ વાંચો | સગાઇ કરી લંડન જતા યુવક યુવતીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત, લગ્ન કરવાના સપના અધૂરા રહ્યા
ટીંબાડિયાએ કહ્યું કે, લંડનમાં રહેતા મારા દીકરાએ ફ્લાઈટ બુક કરાવી લીધી હતી. મને એક બેઠક નંબર પણ ફાળવવામાં આવ્યો હતો પરંતુ મેં મારી મુસાફરી ચાર દિવસ માટે મુલતવી રાખી હતી. મને ખબર નહોતી કે આ નિર્ણયથી મારો જીવ બચી જશે. અકસ્માત પછી, મારા પુત્રએ મને લંડનથી ફોન કર્યોે અને કહ્યું કે આ જીવનમાં મારા સારા કાર્યોએ મને બચાવી લીધો છે. ’’