India’s Deadliest Plane Crashes : અમદાવાદ પ્લેન ક્રેશ, જાણો ભારતમાં થયેલી 10 ભીષણ પ્લેન દુર્ઘટના

Top 5 Deadliet Airline Crashes in Indian History in Gujarati : એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદથી લંડન જઇ રહ્યું હતું અને મેઘાણીનગરમાં ક્રેશ થઇ ગયું હતું. જેમાં 12 ક્રૂ મેમ્બર્સ સહિત 242 મુસાફરો સવાર હતા. અમે અહીં ભારતના 10 સૌથી મોટો પ્લેન અકસ્માત વિશે જણાવી રહ્યા છીએ

Written by Ashish Goyal
June 12, 2025 20:01 IST
India’s Deadliest Plane Crashes : અમદાવાદ પ્લેન ક્રેશ, જાણો ભારતમાં થયેલી 10 ભીષણ પ્લેન દુર્ઘટના
Deadliet Airline Crashes in Indian History : અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની દર્દનાક ઘટના બની (તસવીર - સોશિયલ મીડિયા)

Deadly Plane Crashes in Indian History : અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની દર્દનાક ઘટના સામે આવી રહી છે. એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદથી લંડન જઇ રહ્યું હતું અને ક્રેશ થઇ ગયું હતું. જેમાં 12 ક્રૂ મેમ્બર્સ સહિત 242 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં 100થી વધુ મોતના સમાચાર છે. આ ભારતમાં મોટા અકસ્માતમાં સામેલ છે. અમે અહીં ભારતના 10 સૌથી મોટો પ્લેન અકસ્માત વિશે જણાવી રહ્યા છીએ.

2010 : મેંગ્લોર વિમાન દુર્ઘટના

આ તારીખ 22 મે હતી અને વર્ષ 2010 હતું. એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટ નંબર 812 દુબઇથી મેંગ્લોર જઇ રહી હતી. વિમાન રનવે પર ઉતરે તે પહેલાં જ ક્રેશ થઈ ગયું હતું. મેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે વિમાન રનવે નંબર 24ને ઓવરટેક કરી ગયું હતું. તેમાં સવાર 166 લોકોમાંથી 158 લોકોના મોત થયા હતા અને આઠ લોકો બચી ગયા હતા.

2000 : પટના વિમાન દુર્ઘટના

એલાયન્સ એર ફ્લાઇટ 7412 રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માત 17 જુલાઈ, 2000ના રોજ થયો હતો. તે સમયે તેમાં 55 લોકો સવાર હતા. આ સિવાય જ્યારે આ વિમાનનો કાટમાળ જમીન પર પડ્યો તો તેમાં 5 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં કુલ 60 લોકોના મોત થયા હતા. પાયલોટે વિમાન પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. બિહારની રાજધાની પટનામાં આ પ્લેન ક્રેશ થયું હતું.

1996 : હરિયાણાના ચરખી દાદરીમાં અત્યાર સુધીની સૌથી મોટી વિમાન દુર્ઘટના

તારીખ 12 નવેમ્બર 1996 હતી. આ સ્થળ હતું હરિયાણાનું ચરખી દાદરી ગામ. સાઉદી અરબ એરલાઇન્સની ફ્લાઇટ નંબર 763 રાજધાની દિલ્હીથી રવાના થઈ હતી. પરંતુ રસ્તામાં જ કઝાકિસ્તાની ફ્લાઇટ નંબર 1907 સાથે હવાની વચ્ચે જ અથડાઇ ગઇ હતી. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે બંને ફ્લાઈટમાં સવાર મોટાભાગના લોકોના મોત થયા હતા. બંને વિમાનોમાં સવાર કુલ 349 મુસાફરોના મોત થયા હતા.

1993 : ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)વિમાન દુર્ઘટના

ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 491 મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ઉડાન ભરતી વખતે ક્રેશ થઇ ગઇ હતી. ઍરપોર્ટ પર ઊપડતી વખતે રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે એની ટક્કર થઈ હતી. આ વિમાન દુર્ઘટનાનું મુખ્ય કારણ પાઇલટની ભૂલ અને ઉડ્ડયન વહીવટીતંત્રની રનવે ટ્રાફિકને નિયંત્રિત કરવામાં નિષ્ફળતા હતી. આ અકસ્માત 26 એપ્રિલ, 1993ના રોજ થયો હતો. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 55 લોકોના મોત થયા હતા.

1991 : ઇમ્ફાલ (મણિપુર) વિમાન દુર્ઘટના

16 ઓગસ્ટ 1991ના રોજ ભારતમાં વધુ એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી હતી. આ ઘટના મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં બની હતી, જ્યારે ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 257 પાયલટની ભૂલના કારણે લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં સવાર તમામ 69 યાત્રીઓના મોત થયા હતા.

આ પણ વાંચો – બ્લેક બોક્સ શું છે અને તે કેવી રીતે કામ કરે છે? જાણો પ્લેન દુર્ઘટના તપાસમાં કેમ છે મહત્વપૂર્ણ

1990 : બેંગ્લોર પ્લેન ક્રેશ

કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 605 ક્રેશ થઇ ગઇ હતી. આ અકસ્માત 14 ફેબ્રુઆરી 1990ના રોજ થયો હતો જ્યારે પ્લેન બેંગ્લોર એરપોર્ટ પાસે ક્રેશ થયું હતું. આ અકસ્માતનું મુખ્ય કારણ પાયલોટની ભૂલ હતી. આ અકસ્માતમાં કુલ 92 લોકોના મોત થયા હતા.

1988 :અમદાવાદ પ્લેન ક્રેશ

તારીખ 19 ઓક્ટોબર હતી અને વર્ષ 1988નું હતું. ત્યારે ગુજરાતના અમદાવાદમાં ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી માત્ર 2 કિમી દૂર વિમાન ક્રેશ થયું હતું. ટેકઓફ સમયે ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ આઇસી-113 ક્રેશ થઇ ગઇ હતી. વિમાનમાં સવાર 135 મુસાફરોમાંથી 133ના મોત થયા હતા અને બે બચી ગયા હતા.

1978: મુંબઈ પ્લેન ક્રેશ

એર ઇન્ડિયા બોઇંગ 747 (ફ્લાઇટ નંબર 855) મુંબઇના બાંદ્રામાં દરિયા કિનારે અરબી સમુદ્રમાં ક્રેશ થયું હતું. કોકપીટમાં એક ફ્લાઈટ ઈન્સ્ટ્રુમેન્ટ કામ ન કરવાને કારણે પાયલટ સંપૂર્ણપણે કન્ફ્યુઝ થઈ ગયો હતો ત્યારે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માતમાં કુલ 213 લોકોના મોત થયા હતા. આ અકસ્માત 1 જાન્યુઆરી, 1978ના રોજ થયો હતો.

1976 : મુંબઈ પ્લેન ક્રેશ

12 ઓક્ટોબર, 1976ના રોજ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 171માં ભયાનક અકસ્માત થયો હતો. ફ્લાઇટ દરમિયાન એન્જિન ફેલ થવાના કારણે પ્લેનમાં આગ લાગી હતી. મુંબઈમાં આ અકસ્માત થયો હતો, જેમાં વિમાનમાં સવાર તમામ 95 લોકોના મોત થયા હતા.

1973 : દિલ્હી (પાલમ) પ્લેન ક્રેશ

તારીખ 31 મે હતી અને વર્ષ 1973 હતું. રાજધાની દિલ્હીના પાલમ એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું હતું. ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 440 ત્યારે ક્રેશ થઇ ગઇ જ્યારે વિમાનના લેન્ડિંગ દરમિયાન એક નાનકડી પાયલોટ ભૂલ થઇ ગઇ. તેમાં સવાર 65 યાત્રીઓમાંથી 48 લોકોના મોત થયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ