Ahmedabad Police Drink and Drive FIR Case : અમદાવાદ પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરનારાઓને પકડવા કડક પગલાં લીધા છે અને તેની અસર પણ દેખાવા લાગી છે. તાજેતરમાં ગત શુક્રવાર, 22 ડિસેમ્બરના રોજ અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અતંર્ગત નોંધનાર પોલીસ કર્મચારીને 200 રૂપિયા ઇનામ આપવાની ઘોષણા કરવામાં આવી છે. પોલીસ કર્મીઓ પણ 200 રૂપિયા ઇનામ મેળવવા હવે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના આદેશનું કડક પાલન કરી રહ્યા છે. ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં દારૂના 132 કેસમાં 96 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસના ટ્વિટર હેન્ડલ પર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસની જાણકારી આપવામાં આવી છે.
ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ હેઠળ 39 વ્યક્તિ સામે ફરિયાદ અને ધરપકડ
અમદાવાદ પોલીસ વિભાગે 22 ડિસેમ્બર, શુક્વારના રોજ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરનારને પકડનાર પોલીસ કર્મીને 200 રૂપિયા ઇનામ આપવાની ઘોષણા કરી હતી. અમદાવાદ પોલીસના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલી જાણકારી અનુસાર, સિટી પોલીસે અમદાવાદ શહેરમાં તારીખ 24 ડિસેમ્બર 2023ના રોજ એક જ દિવસમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અંતર્ગત ફુલ 39 વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધી અને ધરપકડ કરવામાં આવી છે.
3 દિવસમાં 1,60 લાખનો દારૂ – મુદ્દામાલ જપ્ત, 132 કેસમાં 96 આરોપીઓની ધરપકડ
અમદાવાદ પોલીસના ટ્વિટર હેન્ડર પર આપવામાં આવેલી જાણકારી અનુસાર અમદાવાદ શહેર માં છેલ્લા ત્રણ દિવસ તારીખ 22 થી 24 ડિસેમ્બર 2013 સુધીમાં પ્રતિબંધિત ઈંગ્લીશ અને દેશી દારૂના કુલ 132 કેસમાં 96 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે 1,59,505 રૂપિયાનો ઈંગ્લીશ અને દેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
દારૂ પીનારને પકડ અને 200 ઇનામ મેળવો
અમદાવાદ પોલીસે ટ્વીટર હેન્ડલ પોસ્ટ કરાયેલી જાણકારી અનુસાર, અમદાવાદ શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતા થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા દારૂડિયા થનગની રહ્યા હોય છે. દર વર્ષે પોલીસ દ્વારા 31 ડિસેમ્બરના દિવસે દારૂડિયાઓ પર વોચ રાખવા ડ્રાઈવ ગોઠવવી પડે છે.
200ના ઇનામની રકમ ક્યાથી અપાશે? અમદાવાદ પોલીસના ટ્વિટર હેન્ડર પર પ્રશ્નોનો વરસાદ
અમદાવાદ પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસ નોંધનાર પોલીસ કર્મીને 200 રૂપિયા આપવાની ઘોષણા કરી છે, જો કે ટ્વિટર હેન્ડર પર લોકો આ વિશે જાત-જાતના પ્રશ્નો પૂછી રહ્યા છે. @GujaratLion10 યુઝર્સે લખ્યુ કે- ઇનામ ની ધન રાશિ પોલીસ ફંડ માંથી કે સરકાર ની તિજોરી ઉપર બોજો…સ્પષ્ટતા જરૂરી છે. તો અન્ય એક @Mr__Gujju યુઝર્સે કમેન્ટમાં લખ્યુ કે, ₹૨૦૦ ભારી પડ્યા કર્તવ્ય અને ફરજ ઉપર..!!?? આવી ત્વરીત ફરજ ₹૨૦૦ ની ઈનામ લાલચ પહેલાં ન નિભાવી શક્યા હોત..!!??,
તો @Manojpa76549657 યુઝર્સ લખે છે – ખરેખર બિરદાવવા લાયક કામગીરી. જોવાની વાત એ છે સાહેબ કે કાયદો કાલે પણ એ જ હતો અને આજે પણ એ જ છે, ફરક છે તો માટે 200 રૂપિયાની લાલચનો, કહેવાય છે કે લાલચ બુરી ચીજ છે, પણ અહી લાલચ સારી વસ્તુ છે.
આ પણ વાંચો | ગુજરાતના ગિફ્ટ સિટીમાં કોને અને કેવી રીતે દારૂ પીવાની છુટ મળશે? જાણો અહીં
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ
અમદાવાદ પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને 200 રૂપિયા ઇનામની ઘોષણા કરી હતી તે જ દિવસે ગુજરાત સરકાર દ્વારા દારૂના નિયમમાં છુટછાટ આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના નિર્ણય અનુસાર પાટનગર ગાંધીનગર નજીર આવેલા ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસના માલિક, કર્મચારીઓ અને ત્યાં આવેલા સત્તાવાર માલિકોને દારૂ પીવાની પરમીટ આપવામાં આવશે. આ લોકો લીકર એક્સેસ પરમિટ મારફતે વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં લીકરનું સેવન કરી શકશે.





