અમદાવાદ વરસાદ : ગોતા અને સાયન્સ સીટીમાં છ ઈંચથી વધુ વરસાદ, રોડ-રસ્તા નદીમાં ફેરવાયા, કયા વિસ્તારમાં કેટલો વરસાદ?

Ahmedabad Rain News : અમદાવાદ શહેર ભારે વરસાદને પગલે પાણી પાણી થઈ ગયું છે, પાંચ અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયા છે, તો રોડ રસ્તાઓ નદી બની ગયા છે. રસ્તાઓ પર ભૂવા પડતા વાહન ચાલકો અટવાયા છે.

Written by Kiran Mehta
Updated : June 30, 2024 21:25 IST
અમદાવાદ વરસાદ : ગોતા અને સાયન્સ સીટીમાં છ ઈંચથી વધુ વરસાદ, રોડ-રસ્તા નદીમાં ફેરવાયા, કયા વિસ્તારમાં કેટલો વરસાદ?
અમદાવાદ વરસાદ

Ahmedabad Heavy Rain : અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર-પાંચ કલાકથી અવિરત મેધરાજાની મહેર જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંક પ્રસરી ગઈ છે. સાથે શહેર પાણી પાણી થઈ ગયું છે. શહેરમાં સૌથી વધુ ગોતા અને સાયન્સ સીટીમાં વરસાદ પડ્યો છે. અહીં 171 મીમી (6.71 ઈંચ) થી વધુ વરસાદ નોંધાયો છે. તો ભારે વરસાદને પગલે શહરમાં ઠેર ઠેર ભૂવા પડ્યા છે, તો રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

શહેરના રોડ રસ્તા પર નદી જેવો માહોલ

અમદાવાદ શહેરમાં પાંચ-છ કલાકથી ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોનસૂન કામગીરીની ઠેર ઠેર પોલ ખુલ્લી પડી ગઈ છે. એસજી હાઈવેના સર્વિસ રોડ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. 132 ફૂટ રીંગ રોડ પર રોડ રસ્તા નદી બની ગયા છે. ક્યાંક ગટરો બેક મારતી જોવા મળી રહી છે. તો ક્યાંક મોટા મોટા ભૂવા પડ્યા છે.

અમદાવાદ : અખબાર નગર સહિતના પાંચ અંડરબ્રિજ બંધ થયા

અમદાવાદ શહેરમા ઔડા અને કોર્પોરેશનની સૌથી નબળી અને લાંબુ વિચાર્યા વગરની કોઈ યોજના-કામગીરી હોય તો, શહેર અને શહેર ફરતે બનાવેલા અંડરપાસ. દર વર્ષે ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે અંડરબ્રિજ બંધ કરવા પડે છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. આજે શહેરમાં ભારે વરસાદને પગલે પાંચ અંડરપાસ બંધ કરવા પડ્યા છે. જેમાં અખબારનગર, મકરબા, મીઠાખળી, ત્રાગડ, અને ગોતા સિલ્વર સ્ટાર અંડરબ્રિજનો સમાવેશ થાય છે.

શેલામાં મોટો ભૂવો પડ્યો, વાહન ચાલકો અટવાયા

શહેરના શેલા વિસ્તારમાં વરાસાદ બાદ મોટો ભૂવો પડ્યો હતો, જેના કારણે રોડ પૂરો બ્લોક થઈ ગયો. તો ન્યુ રાણીપ, ચાંદખેડા, ત્રાગડ, ડી કેબીન સાબરમતી જવાહર ચોક રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હાઈવે સહિતના રસ્તાઓ પર ભારે વરસાદના કારણે ધુમ્મસના પગલે વિઝીબીલીટી ઓછી થવાથી વાહન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે. અનેક વિસ્તારોમાં તો ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદમાં ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદની રમઝટ જોવના મળી રહી છે. શહેરમાં સાંજે 4 વાગ્યા સુધીમાં સરેરાશ, 123.19 મીમી (4.85 ઈંચ) જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગોતા અને સાયન્સ સીટી વિસ્તારમાં 171 મીમી નોંધાયો છે. જો બપોર 2 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો…

  • પૂર્વ અમદાવાદમાં, ચકુડિયામાં 12 મીમી, ઓઢવમાં 57.50 મીમી, વિરાટનગર 51 મીમી, નિકોલ 4 મીમી, રામોલ 63 મીમી, કઢવાડા 33.50 મીમી વરસાદ નોંધાયો છે.
  • પશ્ચિમ અમદાવાદમાં ટાગોર કન્ટ્રોલ 4 મીમી, ઉસ્માનપુરા 62.50 મીમી, ચાંદખેડા 78.50 મીમી, વાસણા બેરેજ 48 મીમી અને રાણીપમાં 22 મીમી વરસાદ નોંધાયો
  • ઉત્તર પશ્ચિમ ઝોનની વાત કરીએ તો, બોડકદેવ 60.50 મીમી, સાયન્સ સીટી 171 મીમી, ગોતામાં 170.50 મીમી તો ચાંદલોડિયામાં 99 મીમી વરસાદ નોંધાયો છે.
  • દક્ષિણ પશ્ચિમ ઝોનની વાત કરીએ તો, સરખેજ 142.90 મીમી, જોધપુર 90 મીમી, જોધપુર ઝોનલ 99.50 મીમી, બોપલ 161.50 મીમી, મક્તમપુરા 11.50 મીમી વરસાદ નોંધાયો છે.
  • મધ્ય અમદાવાદ ઝોન મ્યુનિસિપલ કર્પોરેશન 1 મીમી અને દુધેશ્વર 5.50 મીમી
  • ઉત્તર ઝોનની વાત કરીએ તો, મેમકો 10 મીમી, નરોડા 120 મીમી વરસાદ નોંધાયો છે.
  • દક્ષિણ ઝોનની વાત કરીએ તો, મણિનગરમાં 1.50 મીમી અને વટવામાં 13 મીમી વરસાદ નોંધાયો છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે તંત્રએ સાવચેતીને પગલે વાસણા બેરેજના ચાર ગેટ બે ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે અંડરપાસમાંથી પાણી કાઢવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હજુ પણ અમદાવાદમાં વરસાદી માહોલ છવાયેલો છે. અને સતત ઝરમર ઝરમર વસાદ તથા ઝાપડા પડી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ