Ahmedabad Rahyatra 2024 | અમદાવાદ રથયાત્રા 2024 : અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથ ની 147 મી રથયાત્રા નીકળી ગઈ છે. આજે અષાઢી બીજે વહેલી સવારે 3.45 કલાકે ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ગયા હતા અને પરિવાર સાથે મહામંગળા આરતી કરી. આ સાથે પહિંદવિધી સહિતનો કાર્યક્રમ બાદ ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યા માટે રવાના થયા હતા. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથ સરસપુર, કાલુપુર, શાહપુર સહિત નગરના વિસ્તારમાં ફરી સાંજે નીજ મંદિરે પરત ફરશે. હાથી, ટેબ્લો, અખાડા અને ભજન મંડળીઓ રથયાત્રામાં ખાસ આકર્ષણ જમાવે છે.
જમાલપુર જગન્નાથ મંદિરે ધીમે ધીમે મોટી સંખ્યામાં ભક્તો, સેવકો ઉમટી રહ્યા છે અને જય..જય..જય..જય.. જગન્નાથ, તથા જય રણછોડ માખણ ચોર નો નાદ લગાવી ભાવ વિભોર થઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના લાઈવ દર્શન તમે https://www.jagannathjiahd.org/ પર જોઈ શકો છો.
ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનો રથ તૈયાર છે, ભજન મંડળીઓ, વેશભૂષા, અખાડાના કરતબકારો સહિત રથયાત્રામાં જોડાનાર અસંખ્ય વાહનો સજ્જ થઈ રહ્યા છે. આ બાજુ તંત્ર પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની તાડામાર તૈયારીમાં વ્યસ્ત છે. પોલીસ વિભાગે શહેરના કોટ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધો છે. ભગવાનની રથયાત્રા કોઈ પણ વિઘ્ન વગર રંગેચંગે પૂર્ણ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર રથયાત્રા પર ડ્રોન કેમેરાથી નજર રાખશે.
તમને જણાવી દઈએ કે, દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સાંજની મહાઆરતી માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા, તેમની સાથે કોંગ્રેસના નેતાઓ પણ મહાઆરતી સમયે પોંચ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે આરતી કરી ભગવાન જગન્નાથના આશિર્વાદ લીધા હતા અને રાજ્ય જન જ પર તેમના આશિર્વાદ હંમેશા રહે તે માટે પ્રાર્થના કરી હતી. અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી મહારાજી મુલાકાત કરી હતી.