Ahmedabad Rath Yatra 2025 updates : અમદાવાદ અને પુરી ખાતે આજે ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળી છે. જય રણછોડ માખણ ચોર અને જય જગન્નાથ નાદથી અમદાવાદ અને પુરી ગૂંજી રહ્યા છે. આજે વહેલી સવારે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી, પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાયો. હજારોની સંખ્યામાં ભક્તો, શ્રધ્ધાળુઓ રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રા જેમ જેમ નગરમાં આગળ વધી રહી છે તેમ તેમ નગરનું વાતાવરણ જય રણછોડ નાદથી અભિભૂત થઇ રહ્યું છે. અહીં નોંધનિય છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની આ 148મી રથયાત્રા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી હતી.
જમાલપુર જગન્નાથ મંદિરમાં મંગળા આરતી અને પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર, ભાઈ બલરામ તાલધ્વજ રથ પર અને બહેન સુભદ્રાજીને દેવદલન રથ પર બિરાજમાન કરાયા અને ભારે ઉત્સાહભેર માહોલમાં રથયાત્રાનો શુભારંભ કરાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જોકે, દર વર્ષે રથયાત્રા 7.10 વાગ્યે નીકળથી હોય છે. પરંતુ આ વર્ષે 6.56 વાગ્યે ભગવાનનો પ્રથમ રથ મંદિરની બહાર લાવવામાં આવ્યો હતો. વરસાદના અમી છાંટણા સાથે જ રથયાત્રા શરૂ થઈ ગઈ છે.
પહિંદ વિધિ બાદ ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પારંપરાગત રીતે પહિંદ વિધિ કરી હતી. ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને રથયાત્રાને પ્રસ્થાન કરી હતી.





