Gujarat Rain Red Alert IMD Weather Forecast : ગુજરાતમાં ચોમાસના વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર, સહિત ઉત્તર ગુજરાતમાં શનિવારની મધરાતથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રવિવાર રાજ્યના 8 જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે. ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી સાબરમતી નદીમાં 32410 ક્યુસેક પાણી છોડવામાં આવતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી છે.
અમદાવાદમાં મધરાતથી વરસાદ ચાલુ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદમાં શનિવારે દિવસમાં શરૂ થયેલો ઝરમર વરસાદ આખીરાત ચાલુ રહ્યો હતો. રવિવારે વરસાદ વરસી રહ્યો છે. ઝરમર વરસાદ એકધાર ચાલુ રહેતા અમદાવાદમાં નીચાણવાળા ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાયા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. શિવરંજની – નહેરુ નગર રોડ પર એક વૃક્ષ ધરાશાયી થયું છે.
સાબરમતી નદીમાં પાણી છોડાયું, કિનારના ગામડાઓને ચેતવણી
ઉપરવાસમાં ભારે વરસાદથી સાબરમતી નદીમાં 32410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે વાસણા બેરેજના બધા 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નદી કિનારાના વિસ્તારોના ગામડાઓને ચેતવણી પણ આપવામાં આવી છે.
રવિવાર 8 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ
ગુજરાત હવામાન વિભાગે 7 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલી, કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે.