case of going to America illegally : અમદાવાદના એક ગુજરાતી પટેલ દંપત્તીને અમેરિકા જવાનું સપનું ભારે પડી ગયું હતુ. ગુજરાતના એજન્ટે વિદેશના એજન્ટ સાથે પૈસાની લેતી-દેતીમાં ગોલમાલ કરતા ગુજરાતી દંપત્તી સહિત અન્ય 6 દંપતી ઈરાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા. પૈસા વસુલવા વિદેશી એજન્ટો દ્વારા તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો અને તેનો વીડિયો મોકલાવી ખંડણી માંગવાનો મામલો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો, હવે આ દંપત્તીને મુક્ત કરાવવામાં વિવિધ સુરક્ષા એજન્સી અનેે ગુજરાત સરકારને સફળતા મળી છે.
કોણે છોડાવ્યા?
ગુજરાતી દંપત્તીને ઈરાનમાં બંધક બનાવ્યા બાદ પોલીસ તંત્ર અને ગુજરાત સરકાર હરકતમાં આવી હતી, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તુરંત ઈરાનના ડેપ્યૂટી ચીફ ઓફ મિશનની મદદ લેવામાં આવી, અને અપહરણકાર એજન્ટોના ચૂંગલમાંથી દંપત્તીને મુક્ત કરાવવામાં આવ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મિનિસ્ટ્રી ઓફ એક્ટર્નલ અફેર્સ, IB, રૉ, ઈન્ટરપોલનો સંપર્ક કર્યો હતો.
દંપત્તીએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો
અપહરકારોની ચુંગાલમાંથી મુક્ત થયા દંપત્તિએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. ઉપરાંત પરિવારે સરકાર અને પોલીસનો પણ આભાર માન્યો હતો. પંકજ પટેલ અને નિશા પટેલ આજે રાતે અમદાવાદ આવી પહોંચશે. તમને જણાવી દઈએ કે, એકબાજુ ગુજરાતની રથયાત્રા અને બીજી બાજુ યોગ દિવસના કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતા, 24 થી 48 કલાકમાં દંપત્તીને છોડાવવા ગૃહમંત્રીએ સતત સુરક્ષા તંંત્ર સાથે સંપર્કમાં રહી દંપત્તીને છોડાવવા પ્રયત્ન કરતા, પરિવારે પોલીસ અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો.
ઉલ્અલેખનીય છે કે, અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ સામે આવી જેમાં, નવા નરોડામાં રહેતા પંકજ પટેલ અને તેમના પત્ની નીશા પટેલને ઈરાનમાં બંધક બનવવામાં આવ્યા હોવાનું આ દંપતીના પરિવારે ફરિયાદમાં જણાવ્યું છે. આ મામલો સામે આવતા જ ઈરાનમાં બંધક બનાવેલ દંપતીની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, અને બંધક દંપત્તીને છોડાવવા પોલીસ દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.
સૂત્રો અનુસાર, નવા નરોડામાં રહેતા પંકજ પટેલ અને નિશા પટેલ ગેરકાયદેસર અમેરિકા જવા માટે નીકળ્યા હતા, તેઓ પહેલા હૈદરાબાદમાં આઠ દિવસ રોકાયા ત્યારબાદ તેઓ અન્ય પાંચ કપલ સાથે ઈરાન પહોચ્યા ત્યાંથી તેમને અમેરિકા પહોંચાડવાની એજન્ટે વ્યવસ્થા કરી હતી. પરંતુ ગુજરાતના એજન્ટ અને વિદેશના એજન્ટ વચ્ચે પૈસાની લેતી-દેતીમાં કોઈ વિવાદ સર્જાતા આ દંપતીઓને બંધક બનાવ્યા હોવાનું સામે આવ્યું હતુ.
કેવી રીતે મામલો સામે આવ્યો?
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બંધક બનાવેલ પટેલ દંપતિના પરિવારે માહિતી આપી કે, તેમના પરિવારના બે સભ્યો પંકજ પટેલ અને નિશા પટેલને ઈરાનમાં બંધક બનાવવામાં આવ્યા છે, તેમના પર ઈરાનમાં અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, આ પ્રકારનો વીડિયો એજન્ટ દ્વારા તેમને મોકલવામાં આવ્યો છે, અને 15 થી 25 લાખની ખંડણી આંગડીયા દ્વારા મોકલવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. પીડિત દંપતીના પરિવારે પોલીસને જણાવ્યું કે, તેમના પર અત્યાચાર કરતો વીડિયો એજન્ટોએ વાયરલ કર્યો છે, જેના આધારે પોલીસે બંધક દંપતીને છોડવવા તપાસ શરૂ કરી.
‘એજન્ટોને પૈસા મોકલાવો નહીં તો અમને મારી નાખશે’
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, વિદેશી એજન્ટોએ વીડિયો વાયરલ કર્યા છે, જેમાં એક વીડિયોમાં યુવકને બ્લેડો મારી તેની પર અત્યાચાર કરી તેમના પરિવાર પાસે આંગડિયા પેઢીના મારફતે પૈસા મંગાવવામાં આવી રહ્યા છે, તો બીજા એક વીડિયોમાં પીડિત દ્વારા તેના પરિવારને આજીજી કરવામાં આવે છે કે, એજન્ટને પૈસા પહોંચાડો નહીં તો તેઓ અમને મારી નાખશે.
શું હતો મામલો?
પોલીસ ફરિયાદ અનુસાર, નવા નરોડામાં રહેતા દંપતીએ અમેરિકા જવા ગુજરાતના એજન્ટ અભય રાવલ પાસે 1.15 કરોડમાં સોદો નક્કી કર્યો હતો, દંપતી 3 જૂનના રોજ હૈદરાબાદ જવા નીકળ્યું હતુ, ત્યાં એક અઠવાડીયું રહ્યું, ત્યારબાદ ગુજરાતી દંપતી સહિત અન્ય પાંચ દંપત્તી ઈરાન જવા રવાના થયા હતા. પીડિતના પરિવારે પોલીસને જણાવ્યા અનુસાર, તેમણે એજન્ટ અભય રાવલને પૈસાની ચૂકવણી કરી દીધી, ત્યારબાદ તેમને ઈરાન મોકલવામાં આવ્યા હતા. અહીં ઈરાનના એજન્ટોએ પંકજ પટેલ, નિશા પટેલ સહિત અન્ય પાંચ દંપત્તીને બંધક બનાવી દીધા છે. એજન્ટ અભય પટેલ રૂપિયા લઈ રફૂચક્કર થઈ ગયો હતો, તેણે વિદેશી એજન્ટને પૈસા ન ચૂકવતા છ દંપત્તિને બંધક બનાવવામાં આવ્યા હતા, અને તેમના પર અમાનુષી અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, અને તેના વીડિયો બતાવી ખંડણી માંગવામાં આવી રહી હતી.





