Ahmedabad : અમદાવાદમાં ફરી એકવાર ભણતર મોંઘુ થવા જઈ રહ્યું છે. કેટલીક સ્કૂલોની ફીમાં વધારાની જાહેરાત થઈ છે. વાલીઓએ પોતાના ખીસ્સા ઢીલા કરવા તૈયાર રહેવું પડશે. શહેરની મોટાભાગની સ્કૂલોની પ્રોવિઝનલ ફીમાં વધારો થયો છે. એફઆરસીના સભ્યોની નિમણૂક બાદ આ વધારો જાહેર કરવામાં આવ્યો છે. તો જોઈએ કઈ સ્કૂલની ફીમાં કેટલો વધારો કરવામાં આવ્યો.
અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ – પહેલા આ સ્કૂલની ફી 1.08 લાખ હતી, જેમાં 12 હજારનો વધારો કરવામાં આવ્યો છે. હવે નવી ફી 1.20 લાખ કરવામાં આવી છે.
અમદાવાદ આનંદ નિકેતન સ્કૂલ – પહેલા આનંદ નિકેતન સ્કૂલની ફી 83 હજાર હતી. જેમાં 8 હજારનો વધારો કરવામાં આવ્યો છે. હવે નવી ફી 91 હજાર કરવામાં આવી
અમદાવાદ એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલ – પહેલા અપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની ફી 99 હજાર હતી, જેમાં 5 હજારનો વધારો કરવામાં આવ્યો છે. હવ નવી ફી 1.4 લાખ કરવામાં આવી.
ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલ – પહેલા ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલની ફી 91 હજાર હતી, જેમાં 4 હજારનો વધારો કરવામાં આવ્યો છે. હવે નવી ફી 95 હજાર કરવામાં આવી છે.
ડીપીએસ બોપલ સ્કૂલ – પહેલા ડીપીએસ બોપલ સ્કૂલની ફી 80 હજાર હતી. જેમાં 4 હજારનો વધારો કરવામાં આવ્યો છે. હવે નવી ફી 84 હજાર કરવામાં આવી છે.
શિવ આશિષ સ્કૂલ – પહેલા શિવ આશિષ સ્કૂલની ફી 57500 હતી. જેમાં 3.5 હજારનો વધારો કરવામાં આવ્યો છે, હવે નવી ફી 62 હજાર કરવામાં આવી છે.
એસ.એચ.ખારાવાલ સ્કૂલ – પહેલા એસ.એચ. ખારાવાલાની ફી 32 હજાર હતી. જેમાં 3 હજારનો વધારો કરવામાં આવ્યો છે. હવે નવી ફી 35 હજાર કરવામાં આવી છે.
એચ.બી.કાપડીયા સ્કૂલ – પહેલા એચ.બી. કાપડિયાની ફી 57000 હતી. જેમાં 3 હજારનો વધારો કરવામાં આવ્યો છે. હવે નવી ફી 60 હજાર કરવામાં આવી છે.
સંત કબીર સ્કૂલ – પહેલા સંતકબીર સ્કૂલની ફી 95400 હતી. જેમાં 2.5 હજારનો વધારો કરવામાં આવ્યો છે. હવે નવી ફી 97900 કરવામાં આવી છે.
સુરત : દુનિયાના સૌથી મોટા ડાયમંડ ફર્મે 50,000 કર્મચારીઓ માટે 10 દિવસની ‘હોલીડે’ જાહેર કરી
Surat : સુરતના એક ડાયમંડ ફર્મે કર્મચારીઓ માટે 10 દિવસની હોલીડેની જાહેરાત કરી છે. વૈશ્વિક માંગમાં ઘટાડો અને સ્થાનિક ખેલાડીઓના વધતા જથ્થા વચ્ચે, ગુજરાતની એક હીરા કંપનીએ સોમવારે તેના 50,000 કર્મચારીઓ માટે ઉત્પાદનને નિયંત્રિત કરવા માટે 10 દિવસની રજાની જાહેરાત કરી છે.
કિરણ જેમ્સ, જે ‘વિશ્વની સૌથી મોટી કુદરતી હીરા ઉત્પાદક’ હોવાનો દાવો કરે છે અને પોલિશ્ડ હીરાના સૌથી મોટા નિકાસકારોમાંના એક છે, તેમણે 17 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી રજાની જાહેરાત કરી છે.
2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ પછી યુએસ દ્વારા રશિયન મૂળના હીરા પર લાદવામાં આવેલા પ્રતિબંધો અને G-7 દેશો દ્વારા તેના પર પ્રતિબંધની જાહેરાતને પગલે હીરા ઉત્પાદકો અવરોધોનો સામનો કરી રહ્યા છે.
રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકાના નિવૃત અધિકારી ના ઘર પર વિજિલન્સનો દરોડો, 50 થી વધુ ફાઈલો કરી કબ્જે
Rajkot : રાજકોટ મહાનગર પાલિકાના એક નિવૃત અધિકારી ના ઘરે વિજિલન્સનો દરોડો પડ્યો છે. અધિકારી ઘરે બેઠા ઓફિસના કામ પતાવી રહ્યા હોવાની બાતમી મળતા મ્યુનિસિપલ કમિશનર ડી પી દેસાઈના આદેશ બાદ વિજિલન્સની ટીમે નિવૃત અધિકારી અલ્પના મિત્રાના ઘરે દરોડો પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અલ્પના મિત્રા આરએમસીમાં વોટરવર્ક્સ તથા સિટી ટ્રાન્સપોર્ટ વિભાગમાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા અને પાંચ દિવસ પહેલા જ નિવૃતિ લીધી હતી. વિજિલન્સની ટીમે દરોડો પાડી પચ્ચાસ જેટલી ફાઈલો અને રજિસ્ટરો કબજે કર્યા અને વધુ તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, કોઈ અધિકારીએ નિવૃત બાદ પણ તેમના ખાતાના બીલોની મંજૂરી સહિતની કોઈ કામગીરી બાકી હોય તો ઓફિસે આવીને તે પૂરા કરવાના હોય છે, પરંતુ અલ્પના મિત્રાએ કર્મચારીઓને ફાઈલો અને રજિસ્ટર લઈ ઘરે જ બોલાવ્યા અને અહીંથી વહીવટ કરવાનું શરૂ કર્યું હતુ.
મોરબી : હાર્ડવેરના વેપારીએ પત્ની અને પુત્ર સાથે સામુહિક આત્મહત્યા કરી
Morbi : મોરબીમાં એક સામુહિક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક હાર્ડવેરના વેપારીએ પત્ની તથા પુત્ર સાથે મળી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પોલીસને આપઘાત સ્થળેથી સુસાઈડ નોટ મળી છે, જેમાં અંગત કારણોસર આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ અનુસાર, મોરબી શહેરના ચકિયા હનુમાન મંદિર સામે આવેલા રોયલ પેલસ ફ્લેટમાં રહેતા અને હાર્ડવેરના ધંધા સાથે સંકળાયેલા વેપારી તથા પત્ની અને પુત્રએ આપઘાત કર્યો છે. સુસાઈડ નોટમાં જણાવ્યા અનુસાર, અંગત કારણો સર અને જીવનથી કંટાળીઆપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મહેસાણા : સાંસદ હરિભાઈ પટેલે FCI ડેપોને શહેરની બહાર ખસેડવાનું કર્યું સૂચન, ટ્રાફિક અને અકસ્માતોનું કારણ જણાવ્યું
Mehsana : ગુજરાતના મહેસાણામાં ટ્રાફિક જામ અને માર્ગ અકસ્માતની સમસ્યાને ઘટાડવા સાંસદ હરિભાઈ પટેલે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ડેપોને શહેરની બહાર ખસેડવાની માંગ કરી છે. પટેલે સોમવારે લોકસભામાં આ મુદ્દે કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રીનું ધ્યાન દોરતી વખતે આ માંગણી કરી હતી.
મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, મહેસાણા શહેર મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક છે અને શહેરમાં 1984-85 માં FCI ડેપો બનાવવામાં આવ્યો હતો. પરંતુ, શહેરના સતત વિકાસ સાથે ડેપો હવે શહેરની મધ્યમાં, મોઢેરા ક્રોસ રોડ પર છે. અને આના કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિક અને અકસ્માતો થાય છે કારણ કે, દર મહિને લગભગ 500-600 ડેપોની ટ્રકો રોડ પર દોડે છે.
ડેપોને શહેરની બહાર ખસેડવામાં આવે તો, ટ્રાફિક જામ અને માર્ગ અકસ્માતો અટકાવવામાં મદદ કરી શકાય તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2024-2025ના બજેટમાં મહેસાણાની મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. આ પહેલા મહેસાણામાં નગરપાલિકા હતી. મહેસાણા ઉત્તર ગુજરાતનું મુખ્ય કેન્દ્ર પણ છે.