ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસની ઝાટકણી કાઢી, ‘કાયદાનો અમલ કરાવવાની તમારામાં ઈચ્છા શક્તિ જ નથી’

Ahmedabad Traffic Problem : ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) ટ્રાફિક પોલીસ (Traffic Police) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ઝાટકણી કાઢી, કોર્ટે આડેધડ પાર્કિંગ (illegal parking), ટ્રાફિક સમસ્યા, નિયમોનું ઉલ્લંઘન અને ટ્રાફિક કાયદાના અમલીકરણ (Enforcement of Traffic Rules) માં બેદરકારી મામલે અધિકારીઓનો ઉધડો લીધો.

Written by Kiran Mehta
Updated : July 25, 2023 19:36 IST
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસની ઝાટકણી કાઢી, ‘કાયદાનો અમલ કરાવવાની તમારામાં ઈચ્છા શક્તિ જ નથી’
ગુજરાત હાઈકોર્ટ (ફાઈલ ફોટો)

Ahmedabad Traffic Problem : ગુજરાત હાઈકોર્ટની એક ડિવિઝન બેન્ચે મંગળવારે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સામે અવમાનના આરોપો ઘડવા પર રોક લગાવી હતી, કોર્ટે નોંધ્યું હતું કે, ટ્રાફિક પોલીસ ટ્રાફિક કાયદાના અમલમાં બેદરકારી દાખવે છે, જેના કારણે ગુનેગારો ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરી શકે છે.

શરૂઆતમાં બે અધિકારીઓ સામે કોર્ટના અવમાનના કાયદા હેઠળ આરોપો ઘડવાની ઈચ્છા વ્યક્ત કરતી વખતે, જસ્ટિસ એએસ સુપેહિયા અને એમઆર મેંગેડેની ડિવિઝન બેન્ચે અધિકારીઓને 9 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો કે, તેઓ જમીન સ્તરે અને તેના પરિણામો, ખાસ કરીને ટ્રાફિક અને પાર્કિંગને લગતા કાયદાના અમલીકરણ અંગેની કાર્યવાહી દર્શાવે.

એસજી હાઇવે પર 20 જુલાઇના અકસ્માતનો ઉલ્લેખ કરતા, જ્યાં 140 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી કારે 9 લોકોને કચડી નાખ્યા હતા અને 13 અન્ય ઘાયલ થયા હતા, તેમજ અમદાવાદ શહેરના ચાર રસ્તા પર ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ દ્વારા હાથ ધરાયેલા સર્વેના અહેવાલને ટાંકીને, જસ્ટિસ સુપેહિયાએ કહ્યું હતું કે, અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગની ખેંચાઈ કરવા માટે હવે શબ્દો પણ ઓછા પડે, તેમણે કહ્યું, દંડ, કાયદો હોવા છતા ટ્રાફિક નિયમ ઉલ્લંઘન ચાલુ જ છે, તે અપરાધિઓને દંડિત કરવામાં પોલીસની નિષ્ફળતાનું પરિણામ છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસનું પ્રતિનિધિત્વ કરતા સરકારી વકીલ મનીષા શાહને સંબોધતા જસ્ટિસ સુપેહિયાએ મૌખિક રીતે ટિપ્પણી કરી, “શું તમે મુખ્ય મુદ્દો જાણો છો? આ વસ્તુઓ થવાનું સાચું કારણ શું છે – એક ઘાતક અકસ્માત થયો છે? કારણ કે આ ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી. તેઓ ખુલ્લેઆમ, દંડ મુક્તિ સાથે, કાયદાનું ઉલ્લંઘન કરે છે. ફોટા સાબિતી બતાવે છે. તમારી પાસે ટ્રાફિક કાયદાનો અમલ કરાવવાની કોઈ રીત નથી, કે તમારામાં તેનો અમલ કરવાની ઈચ્છા શક્તિ પણ નથી.

ટ્રાફિક નિયમન અને વ્યવસ્થાપન માટે 2018 માં પીઆઈએલમાં હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોનો અમલ ન કરવાનો આરોપ લગાવતા અને ત્યારબાદની અવમાનનાની અરજી, કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે, આ મુકદ્દમો છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યો છે. “સુધાર કરવાને બદલે આપણે ક્યાં છીએ? તમે સીસીટીવી કેમેરાનો દાવો કરી રહ્યા હતા, આ અકસ્માતે (એસજી હાઇવે) એ હકીકતનો પર્દાફાશ કર્યો કે, સીસીટીવી કામ કરી રહ્યા નથી. તમારું સંચાલન જુઓ. તમે તમારી સરખામણી દિલ્હી, મુંબઈ જેવા અન્ય શહેરો સાથે કરો. લોકો ટ્રાફિકના કાયદાથી ડરે છે. તમારા સૈનિકો ચોકડી પર અથવા ગમે ત્યાં મૂક દર્શક બની ઉભા રહે છે. અમે અંગત રીતે આ જોયું અને અનુભવ્યું પણ છે. તેઓ કંઈ કરતા નથી, ફક્ત તેઓ તેમની આંખો બંધ કરી ઉભા રહે છે. તો શા માટે આપણે આરોપો ઘડવા જોઈએ નહીં?”, બેન્ચે કહ્યું.

કોર્ટે ટિપ્પણી કરી હતી કે, કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને કાયદાનું ઉલ્લંઘન કરતા પહેલા થોડો ડર કે આશંકા હોવી જોઈએ કે, તેઓને જમીની સ્તરે અધિકારીઓ તરફથી કડક પ્રતિસાદ મળશે. “તેઓ તેમનાથી ડરતા કેમ નથી? તેનાથી વિપરીત, અમે મીડિયા અહેવાલોમાં વાંચ્યું છે કે, જ્યારે કોન્સ્ટેબલોએ કાયદાનો અમલ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓને માર મારવામાં આવ્યો,” કોર્ટે કહ્યું.

જ્યારે સરકારી વકીલે કહ્યું કે, 19 જુલાઈના રોજ કોર્ટના અવલોકનોને પગલે, રાજ્ય ટ્રાફિકના ઉલ્લંઘન કરનારાઓ પર કાર્યવાહી કરવા માટે એક વિશેષ ડ્રાઈવ ચલાવી રહ્યું છે, ત્યારે જસ્ટિસ સુપેહિયાએ કહ્યું કે, તે પ્રસંગોપાત હંગામી ડ્રાઈવને બદલે નિયમિત મિકેનિઝમ હોવી જોઈએ.

“તે એક નિયમિત પ્રેક્ટિસ હોવી જોઈએ, તે તમારા તરફથી સ્વૈચ્છિક પ્રેક્ટિસ હોવી જોઈએ, ઈ-ચલણ તમને ચાર રસ્તા પર મદદ કરશે, પરંતુ ઘુસપેઠ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ વિશે શું?…નોઇડા, પુણે, બેંગ્લોરમાં રસ્તાઓ પર સ્પાઇક્સ લગાવવામાં આવ્યા છે. તમે તેનો અમલ કેમ નથી કરતા..જ્યાં પણ પેટ્રોલ પંપ છે, લોકો રોંગ સાઈડથી ડ્રાઇવિંગ કરે છે. તમે તેનું પાલન કેમ નથી કરતા? તમે તેમની પાસેથી ઉદાહરણ કેમ નથી લેતા? હવે આવા લોકો સામે કડકાઈથી વ્યવહાર કરવાનો સમય આવી ગયો છે, નહીં તો આ અકસ્માતો થતા જ રહેશે, જ્યાં સુધી કાયદાનો ડર નહી હોય. કાયદો તોડતા પહેલા કોઈપણ વ્યક્તિ/ગુનેગારે અર્ધજાગૃતપણે જાણવું જોઈએ કે, જો હું કંઈક કરીશ, તો મને પકડવામાં આવશે અને તેની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમે તો અકસ્માત થવાની રાહ જુઓ છો, પછી તમારો અંતરાત્મા તમને કહે છે કે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે?…કેટલાક બદમાશો છે જેઓ રસ્તા પર સ્ટંટ કરી રહ્યા છે, તમે કંઈ કરતા કેમ નથી”, જસ્ટિસ સુપેહિયાએ મૌખિક રીતે ટિપ્પણી કરી.

એ જોતા કે રાજ્યની અત્યાર સુધીની નિષ્ક્રિયતાથી કોર્ટ કંટાળી ગઈ છે, અને રાજ્ય ટ્રાફિક નિયમોનું પાલન કરાવવમાં નિષ્ફળ રહ્યું છે, સાથે 2006 અને 2018માં આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે, બેન્ચે શરૂઆતમાં સૂચવ્યું હતું કે, તે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને ટ્રાફિક પોલીસ કમિશનર સામે કોર્ટની અવમાનના કાયદા હેઠળ આરોપો ઘડવા માંગે છે.

જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલ સત્યમ છાયા અને સરકારી વકીલ શાહે કોર્ટને પરિણામ બતાવવા માટે થોડો સમય આપવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે, તેઓ મુકદ્દમાને પ્રતિકૂળ નથી માની રહ્યા અને આખરે બે અધિકારીઓ સામે આરોપો ઘડવાથી પણ કોર્ટ જે ઉદ્દેશ્ય પૂરો નહી થાય, જે કોર્ટ જોવા માગે છે. તેને ધ્યાનમાં રાખીને કોર્ટે સત્તાવાળાઓને 9 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે.

જસ્ટિસ સુપેહિયાએ વધુમાં ટિપ્પણી કરી હતી કે, માત્ર એક જ સૂચન છે કે કાયદાનો કડક રીતે અમલ કરો. “જે માતા-પિતાએ તેમના પુત્રો ગુમાવ્યા છે, તેઓ તેમનું બાકીનું જીવન આ વેદના ભૂલી શકશે નહીં … દંડથી મુક્તિનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, અને તમે કંઈ કરતા પણ નથી. અમે પુનરાવર્તિત કરીએ છીએ, તમારી પાસે કાયદાનો અમલ કરવાની હિંમત કે કરોડરજ્જુ નથી. આ માત્ર એક અસ્થાયી તબક્કો છે, એક મહિના પછી ફરી આવી જ સ્થિતિ હશે. અમે નકલી સોગંદનામું દાખલ કરવા માટે બનાવટી સામે કાર્યવાહી પણ શરૂ કરીશું. આ રિપોર્ટ (GSLSAનો) જુઓ… અમે હવે કંટાળી ગયા છીએ, અમને કાર્યવાહી કરીને બતાવો,” કોર્ટે પોલીસ અને AMCને તેમના અધિકારીઓને તાલીમ આપવા પણ કહ્યું.

આ પણ વાંચોઅમદાવાદ ટ્રાફિક પોલીસની ખુલી પોલ : રસ્તા પર રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ગેરકાયદેસર પાર્કિંગ ધમધમે છે, GSLSA રિપોર્ટ

“દિલ્હી અને મુંબઈમાં ટ્રાફિકનો અમલ ખૂબ જ કડક છે. હવે સમય આવી ગયો છે કે તમે તેમની સાથે કડક રીતે વ્યવહાર કરો. હવે બહુ થયું ગુલાબનું વિતરણ… AMC અને ટ્રાફિકના સ્ટાફને ધ્યાનમાં લઈએ તો દરેક રસ્તા પર કોન્સ્ટેબલ તૈનાત કરવા અશક્ય છે. આથી ટેક્નોલોજીની મદદ લેવાનો એકમાત્ર વિકલ્પ છે,” બેન્ચે ટિપ્પણી કરી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ