અમદાવાદ લગ્ન કરવા આવેલ વર કન્યા સહિત જાનૈયાઓને લગ્નનો જમણવાર ભારે પડી ગયો. લગ્નની મજા લીધા બાદ જાન ઘરે પહોંચે તે પહેલા જ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થઈ જતા તબીયત લથડી અને નડિયાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના નિકોલ વિસ્તારમાં રાજપીપળાથી જાન આવી હતી, જાનૈયાઓએ લગ્નની મજા લીધી, પહેલા દૂધની બનાવટનો વેલકમ ડ્રીંક સહિત હલવો, પંજાબી, ચાઈનીઝ સહિતની બધી વાનગીઓની મજા લીધી. ત્યારબાદ મોડી રાત્રે લગ્ન પતાવી જાન રાજપીપળા જવા નીકળી અને રસ્તામાં નડીયાદ નજીક જાનૈયાઓની તબીયત લથડતા તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થતા તબીયત લથડી
નડીયાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ જાનૈયા અનુસાર, નર્મદા જિલ્લાના રાજપીપળાથી અમારી જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી, અહીં નિકોલમાં વિશાલા લેન્ડમાર્કમાં આવેલી એક હોટલના બેન્કવેટ હોટલમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો, જ્યાં લગ્ન બાદ જમણવાર પત્યા પછી રાત્રે 11 કલાકે જાન રાજપીપળા જવા નીકળી હતી, જાન નડીયાદ નજીક પહોંચી ત્યારે કેટલાકને ઝાડા, ઉલટી સહિત પેટમાં દુખાવો થવા લાગ્યો, જેથી 108 બોલાવી બધાને સારવાર માટે નડીયાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં બધાની તબીયત સ્થિર છે.
જાનૈયાઓની તબીયત સ્થિર
નડીયાદ હોસ્પિટલના ડોક્ટર કવિતાબેન શાહે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, મોડી રાત્રે 20 દર્દીઓને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાં 9 લોકોન ગ્લુકોઝ બોટલ સહિતની સારવાર માટે ત્રણ ચાર કલાકની સારવાર બાદ તબીયત સ્થિર રહેતા રાજપીપળા મોકલી દેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 11 લોકોની હાલત વધારે ખરાબ ન હોવાથી તેમને જરૂરી દવાની સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.
સૂત્રો અનુસાર, રાજપીપળાથી એક લક્ઝરી, અને પાંચ કાર લઈ 55 લોકો સાથે જાન નિકોલ આવી હતી. વર અને કન્યાની પણ તબીયત લથડતા તેમને પણ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. લગ્ન બાદ જમણવારની વાનગીઓથી તમામને ફૂડ પોઈઝનિંગ થવાથી તમામની તબીયત લથડી હતી. ઉલ્લેખનીય છે કે, કન્યા પક્ષના પણ પાંચ-સાત લોકોની તબીયત લથડતા તેમને પણ અમદાવાદના મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – BAPS હિંદુ મંદિર, અબુ ધાબી – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : જાણો પૂરો કાર્યક્રમ, લાઈવ ક્યાં જોઈ શકશો?
લગ્નમાં શું મેનુ હતું
સૂત્રો અનુસાર, નિકોલમાં કન્યા પક્ષના પરિવારે નિકોલના વિશાલા લેન્ડમાર્કમાં આવેલી હોટલના બેન્કવેટ હોલમાં લગ્ન સહિત જમણવારનું આયોજન કરેલું હતુ. જાનૈયાઓ માટે વેલકપ ડ્રીંક, પાઈનેપલનું મિલ્ક શેક, સ્ટાર્ટરમાં સૂપ, તથા જમણવારમાં સલાડ, ગાજરનો હલવો, બે પંજાબી પનીર સહિતનું શાક, એક ગુજરાતી શબ્જી, દાલફ્રાય-જીરા રાઈસ, રોટલી, સલાડની વ્યવસ્થા હતી, અંતમાં છાસ જેવી વ્યવસ્થા હતી.





