સુરતમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગ, જાણો કેવી રીતે કરે છે કામ

Surat : સુરતમાં ICCC સેન્ટર દ્વારા 4300 કેમેરાની મદદથી રસ્તાના ખાડા શોધવાની સ્માર્ટ સિસ્ટમ ઉભી કરાઇ

Written by Ashish Goyal
Updated : July 16, 2025 20:29 IST
સુરતમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગ, જાણો કેવી રીતે કરે છે કામ
કુલ 4300 કેમેરાના ફૂટેજ દ્વારા રસ્તાઓ પર પડેલા ખાડા કે અવરોધોને ઓળખવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે

Surat : સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ ટેકનોલોજી આધારિત AI CCTV કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા હવે 24×7 શહેરમાં ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો રિયલ ટાઈમ અંદાજ મેળવીને, સંબંધિત વિભાગોને તરત જાણ કરવામાં આવે છે જેથી સમયસર કાર્યવાહી થકી શહેરી પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

આ કામગીરી સુરત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત આ આધુનિક ટેકનોલોજી માર્ગ વ્યવસ્થાપનને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવી રહી છે. સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની રાહબરી હેઠળ શહેરની જનતાની સુખાકારી માટે મહત્વની મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદના કારણે રસ્તાની મરામત યુદ્ધના ધોરણે શરૂ કરવા સુચના આપી છે. મહાનગરપાલિકામાં ખાડા રીપેરીંગ મરામત માટે AI ટેકનોલોજી ઉપયોગી નીવડી છે

આ અંગે માહિતી આપતાં મહાનગરપાલિકાના સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના IT ડાયરેક્ટર જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાનું વેસુ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (ICCC) શહેરની વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં માર્ગોને નુકસાન પહોંચ્યું છે. આવા વિસ્તારમાં કમાન્ડ સેન્ટર દ્વારા સતત નજર રાખી કામ ચાલુ કરવામાં આવ્યું છે.

કુલ 4300 કેમેરાનો ઉપયોગ

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 3500 CCTV કેમેરા અને પોલીસ વિભાગ દ્વારા 800 કેમેરા લગાવવામાં આવ્યા છે. એમ કુલ 4300 કેમેરાના ફૂટેજ દ્વારા રસ્તાઓ પર પડેલા ખાડા કે અવરોધોને ઓળખવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ CCTV ફીડમાં કોઈ જગ્યા પર ખાડાની માહિતી મળી આવે છે, તાત્કાલિક ત્યાંની વિગતો ફિલ્ડ ટીમને મોકલવામાં આવે છે અને માર્ગ સુધારાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચો – ગુજરાતમાં નર્મદાની નહેરો પર જોખમી 5 પુલ સંપૂર્ણપણે બંધ, 4 પુલ ભારે વાહનો માટે પ્રતિબંધિત

તેમણે કહ્યું કે ટેકનોલોજીના ઉપયોગથી શહેર વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને ઝડપ બંને હાંસલ થઈ રહી છે. AI આધારિત સિસ્ટમ રસ્તાઓની સમસ્યાઓને પોતે ઓળખી તંત્ર સુધી પહોંચાડે છે. આ અભિગમ નાગરિક સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ છે. સુરત શહેરમાં આવા સ્માર્ટ ઈનોવેટિવ સોલ્યુશનનો અમલ સતત પ્રગતિ પામે એવી દિશામાં આગળ વધી રહ્યા છીએ. AI આધારિત સિસ્ટમ દ્વારા ડેટાની મદદથી ભવિષ્યમાં માર્ગ વિકાસ અને જાળવણી માટે વધુ સફળ આયોજન કરી શકાશે.

Surat
24×7 નિગરાની રાખતુ ICCC સેન્ટર

24×7 નિગરાની રાખતુ ICCC સેન્ટર

સુરત મહાનગરપાલિકાના વેસુ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (ICCC) માં 24×7 કલાક કામગીરી ચાલી રહી છે, જ્યાં 80થી વધુ લોકો સતત નગરની વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરે છે. હાલના વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રસ્તા પર પડેલા ખાડાઓનું વિશેષ મોનિટરિંગ હાથ ધરાયું છે. ખાસ કરીને ખાડા ઓળખવા માટે 10 લોકોને સમર્પિત ટીમ તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જે CCTV ફૂટેજ અને AI ટેક્નોલોજીની મદદથી ખાડાની ઓળખ કરી સંબંધિત ફિલ્ડ ટીમ સુધી માહિતી પહોંચાડે છે.

AI સિસ્ટમ રોડ પરની સમસ્યાઓ શોધે છે

શહેરના ચોક્કસ વ્યસ્ત માર્ગો પર કાર્યરત આ AI સિસ્ટમ રસ્તાની સપાટીની સતત સ્કેનિંગ કરે છે. ખાડા, પાણી ભરાવ, ટ્રાફિક ઘસારો વગેરેની હાલત સર્જાય તો આ કેમેરા અને સેન્સર્સ તરત જ સુરત મ્યુનિસિપલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને સૂચના આપે છે. જેથી તંત્ર સ્થળ પર પહોંચી તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. સુરતનું આ સ્માર્ટ માર્ગ મોનિટરિંગ મોડલ હવે અન્ય શહેરો માટે પણ શીખવા જેવી પ્રેરણારૂપ પદ્ધતિ બની શકે તેમ છે. ટેક્નોલોજી અને તંત્રના સંકલનથી સુરતના નાગરિકોને વધુ સુગમ અને સલામત યાત્રા વ્યવસ્થા પ્રાપ્ત થઈ રહી છે.

કેવી રીતે કાર્ય કરે છે AI-સંચાલિત સેન્સર સિસ્ટમ?

AI આધારિત સેન્સરો સતત માર્ગ સપાટીનું અવલોકન કરે છે. જો રસ્તા પર ખાડો પડે, પાણી ભરાય કે ટ્રાફિક સ્થગિત થાય તો તે તરત ઓળખી ‘સુરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર’ (ICCC) સુધી ડેટા મોકલે છે. ત્યાંથી સંબંધિત વિભાગને રિયલ ટાઈમ સૂચના આપવામાં આવે છે, જેથી તરત કામગીરી હાથ ધરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ