Plane Crash in Ahmedabad News : અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશના બીજા દિવસે શુક્રવારે ATSએ એર ઇન્ડિયાના વિમાનના કાટમાળમાંથી ડિજિટલ વિડિયો રેકોર્ડર (DVR) મેળવ્યું છે. આ પહેલા ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. વિમાન દુર્ઘટનાના કારણો શોધવા માટે આ બંને ડિવાઇસો ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા છે. એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના કાટમાળમાંથી DVR મળી આવ્યું હતું.
મેઘાણી નગરમાં વિમાનનો પાછળનો ભાગ બીજે મેડિકલ કોલેજના UG હોસ્ટેલ મેસ પર પડ્યો હતો, જેના કારણે ઇમારતને ભારે નુકસાન થયું હતું અને તેમાં હાજર કેટલાક મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળે હાજર ગુજરાત ATS અધિકારીએ જણાવ્યું હતું કે આ એક DVR છે, જે અમે કાટમાળમાંથી મેળવ્યું છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમ ટૂંક સમયમાં અહીં આવશે અને ડિવાઇસની તપાસ કરશે, જે અકસ્માત તરફ દોરી જતી ઘટનાઓના ક્રમ વિશે મહત્વપૂર્ણ સંકેતો આપી શકે છે.
એર ઇન્ડિયાના વિમાનમાં 12 ક્રૂ સભ્યો સાથે 242 મુસાફરો હતા
DVR અને બ્લેક બોક્સ મળી આવવાથી વિમાન દુર્ઘટનાની અંતિમ ક્ષણોમાં શું બન્યું તે વિશે માહિતી એકત્રિત કરવામાં મદદ મળશે. ગુરુવારે અમદાવાદમાં થયેલા આ ભયાનક વિમાન દુર્ઘટનામાં 200થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 લંડનના ગેટવિક એરપોર્ટ માટે 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સાથે ઉડાન ભરી હતી. મુસાફરોમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગીઝ નાગરિકો અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. જ્યારે ફ્લાઇટમાં બે પાઇલટ સહિત કુલ 12 ક્રૂ સભ્યો હાજર હતા.
આ પણ વાંચો – વિજય રુપાણીને યાદ કરી ભાવુક થયા પીએમ મોદી, કહ્યું – ખૂબ મહેનતુ અને પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા
DVR અને બ્લેક બોક્સ વચ્ચે શું છે તફાવત?
DVR અને બ્લેક બોક્સ બંનેમાં તફાવત છે. DVR (ડિજિટલ વિડિયો રેકોર્ડર) અને બ્લેક બોક્સ બંનેનું કામ ડેટા રેકોર્ડ કરવાનું છે, પરંતુ DVR સામાન્ય રીતે સુરક્ષા કેમેરામાંથી ફ્લાઇટના વીડિયો રેકોર્ડ કરે છે, જ્યારે બ્લેક બોક્સ ફ્લાઇટ ડેટા અને કોકપીટ ઓડિયો રેકોર્ડ કરે છે. DVR ઘણીવાર દેખરેખ હેતુ માટે સુરક્ષા કેમેરામાંથી વીડિયો ફૂટેજ રેકોર્ડ કરે છે. DVR માંથી રેકોર્ડ કરાયેલ વીડિયો ડેટા સામાન્ય રીતે હાર્ડ ડ્રાઈવ અથવા ક્લાઉડ સ્ટોરેજમાં સ્ટોર કરાય છે.
DVR મુખ્યત્વે વિઝ્યુઅલ ડેટા રેકોર્ડ કરે છે. બીજી બાજુ બ્લેક બોક્સ (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) ફ્લાઇટ ડેટા જેમ કે એરક્રાફ્ટની ગતિ, ઊંચાઈ, એન્જિન થ્રસ્ટ વગેરે અને કોકપીટ ઓડિયો (પાઇલટ વાતચીત) રેકોર્ડ કરે છે. બ્લેક બોક્સમાં વિશિષ્ટ રેકોર્ડર્સનો ઉપયોગ કરવામાં આવે છે જે ભીષણ દુર્ઘટનાની સ્થિતિમાં પણ નુકસાન ન થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે.