ambaji bhadarvi poonam 2023 : અંબાજી ભાદરવી પૂનમનો મેળો 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘ લઈ અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી જવાના દાંતા અને આ બાજુ હળાદ વાળા બંને રસ્તા પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. બંને રસ્તાઓ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.
શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ તથા બનાસકાંઠા વહીવટી તંત્ર ખડે પગે જોવા મળી રહ્યું છે. શ્રદ્ધાળુઓ માટે તમામ સગવડો ઉભી કરવામાં આવી છે.
માના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે, આ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં માના દર્શન માટે 40 લાખથી પણ વધુ ભક્તો આવે તેવી આશા છે.
આ વર્ષે અંબાજીમાં ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આખા અંબાજીને લાઈટોથી ઝળહળતુ કરવામાં આવ્યું છે.
રોજે રોજ અંબાજી માતા, ગબ્બર સહિતની પ્રતિમા લેજર શો દ્વારા રજૂ કરવામાં આવી છે. આ દિવ્ય લાઈટિંગ જોઈ માઈ ભક્તો ભાવ વિભોર થઈ રહ્યા છે.
રોશનીથી ઝળહળતો માનો દરબાર, અને અંબાજી ધામ
આ વખતે ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં 4000 ચોરસ ફૂટનો વોટરપ્રૂફ ડોમ, પગપાળા આવતા ભક્તો સારી રીતે આરામ કરી શકે તે માટે 1200 જેટલા પલંગ, ઠેર ઠેર શૌચાલય, નાહ્વા માટે ગરમ પાણીની સગવડ ઉભી કરવામાં આવી છે.
ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા પદયાત્રીકો અને ભક્તો માટે ગુજરાત એસટી નિગમ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના દરેક ખુણે જવા માટે બસ મળી રહે તે માટે વધારાની બસો દોડાવવામાં આવી રહી છે.
આ સિવાય સુરક્ષા માટે હજારોની સંખ્યામાં પોલીસ કર્મી, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગની સગવડ, પીવાના પાણીની સગવડ, અગ્નિશામક સાધનો, દર્શને આવતા ભક્તો માટે પાર્કિગ વ્યવસ્થા સહિતની ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.
ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રાળુઓ માટે રાજ્ય આરોગ્ય તંત્ર દ્વારા અંબાજી તરફના તમામ માર્ગો પર 24 કલાક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સઘન આયોજન
અમદાવાદના વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા અંબાજી મંદિર ખાતે ધ્વજારોહણ
અંબાજીથી ગબ્બર સુધીનો માર્ગ લાઈટોથી શણગારવામાં આવ્યો છે.
અંબાજી મંદિર અને ચાચરચોકને પણ લાઈટોથી અદ્દભૂત શણગારવામાં આવ્યું છે.





