Ambaji Bhadarvi Poonam 2023 : અંબાજી ભાદરવી પૂનમ મેળો 2023 ચાલી રહ્યો છે, 23 સપ્ટે્મબરથી 29 સપ્ટેમ્બર સુધી અંબાજીમાં મેળો ચાલી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી માના દરબારે પહોંચી રહ્યા છે. ભાદરવી પૂનમે દેશના ખૂણે ખૂણેથી ચાલીને પદયાત્રિકો સંઘ સાથે અંબાજી પહોંચે છે, અને મા અંબાને ધજા ચઢાવે છે. ત્યારે આવી જ રીતે ચાલીને આવતો એક પદયાત્રિકને દાંતા અંબાજી રોડ પર ત્રિશૂળીયા ઘાટ પર હાર્ટએટેક આવ્યો હતો, બનાસકાંઠા અને ટ્રાફિક પોલીસની ટીમે તુરંત પહોંચી તેને સીપીઆર આપી યુવકનો જીવ બચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રિશુળીયા ઘાટ પર મોટી સંખ્યામાં પદયાત્રિકો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા હતા, તે સમયે એક યુવકને હાર્ટએટેક આવતા તે અચાનક ઢળી પડ્યો, અન્ય પદયાત્રિઓએ સમયસુચકતાથી નજીકમાં ફરજ પરના પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી અને યુવકને સીપીઆર આપી તેનો જીવ બચાવ્યો, પોલીસ જવાનોની સમયસૂચકતાને લોકો બીરદાવી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ બનાસકાંઠા પોલીસે સોશિયલ મીડિયા પર મુક્યો છે.
જુઓ – કેવી રીતે પોલીસ જવાનોને સીપીઆર આપી યુવકનો જીવ બચાવ્યો
હાર્ટ એટેકનો ભોગ બનનાર યુવક ક્યાંનો હતો?
અંબાજી દાંતા રોડ પર ત્રિશૂળીયા ઘાટ પર એક યુવકને હાર્ટ એટેક આવ્યો અને ટ્રાફિક પોલીસ તથા બનાસકાંઠા પોલીસની ટીમે ત્યાં પહોંચી સીપીઆર આપી એક યુવકનો જીવ બચાવ્યો. પોલીસ અનુસાર આ યુવક સુરેન્દ્રનગર વઢવાણનો રહેવાસી છે, તે અંબાજી પગપાળા આવી રહ્યો હતો, ત્યારે ત્રિશૂળીયા ઘાટ પર તેને છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો, અને ત્યાં જ ઢળી પડ્યો, અન્ય પદયાત્રિકોએ તુરંત પોલીસને સંપર્ક કરી બોલાવતા ટ્રાફિક પોલીસ જવાન અને બનાસકાંઠા પોલીસ ત્યાં પહોંચી ગઈ, અને તેને તત્કાલીન સીપીઆર આપી તેનો જીવ બચાવી લઈ વધુ સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ યુવાનનું નામ રવિન્દ્રસિંહ ક્રિપાલસિંહ વાઘેલા હોવાનું સામે આવ્યું છે.
યુવકનો જીવ બચાવવા પહોંચેલ પોલીસ જવાન કોણ?
ત્રિશૂળિયા ઘાટ પર સુરેન્દ્રનગર વઢવાણના યુવકને હાર્ટએટેક આવ્યો હતો, તે સમયે નજીકમાં જ ફરજ પર હાજર ટ્રાફિક પીઆઈ કેપી ગઢવી, એએસઆઈ કાંતીભાઈ વિરસગભાઈ, અન્ય પોલીસ જવાન અને ડો. મહેશભાઈ નરસિંહભાઈ ઘટના સ્થળ પર પહોંચી ગયા, ત્યાં પહોંચ્યા તો યુવાનના મોંઢામાંથી લોહી આવી રહ્યું હતું, તેને હાર્ટએટેક આવ્યો હતો, જેથી પોલીસ અને ડોક્ટરે તેને સીપીઆર આપ્યો ત્યારબાદ તેનો જીવ બચાવવા એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોલીસની જીપમાં જ હોસ્પિટલ પહોંચાડવાનું નક્કી કર્યું, થોડા આગળ જતા 108 સામે આવી જતા, યુવકને એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરી તેને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.