Ambaji Bhadarvi Poonam Melo 2024 : અંબાજી ભાદરવી પૂનમના મહામેળો આજથી શરૂ થઈ ગયો છે. બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા અંબાજી આવતા ભક્તો અને પદયાત્રીઓ નો જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેમાં આરામ માટે ડોમ, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા, પાર્કિંગ તથા મફત ભોજનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અંબાજી પહોંચતો દાંતા રોડ અને હળાદ રોડ બંને તરફ થી મોટી સંખ્યામાં પગપાળા સંઘો આવતા જોવા મળી રહ્યા છે. રોડ રસ્તાઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. અંબાજી જતા રસ્તાઓ પર પદયાત્રીઓને જરૂરી દવા, ચા-નાસ્તો, ભોજન, પાણી સહિતની સુવિધા મળી રહે તે માટે સેવા કેમ્પો લાગેલા જોવા મળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આ વખતે 30લાખથી વધુ ભક્તો ઉમટે તેવુ અનુમાન છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો મા અંબાના દર્શને આવે છે, તેમાં પણ પગપાળા આવતા સંઘોની સંખ્યા વધારે હોય છે. જેથી અંબાજી આરાસુરી ટ્રસ્ટ દ્વારા તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર લોકોને કોઈ અગવડ ન રહે અને સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે.
આ વખતે તંત્ર દ્વારા એક ક્યૂઆર કોડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેને સ્કેન કરતા જ તમને ભોજનની વ્યવસ્થા ક્યાં છે, પાર્કિંગની વ્યવસ્થા ક્યાં છે, આરામ કરવા માટે ડોમ ક્યાં બનાવવામાં આવ્યા છે, વગેરે તમામ સુવિધાઓ લોકેશન સાથે મળી રહેશે.
અંબાજી મંદિરનો ઈતિહાસ અને પૌરાણિક ગાથા
અંબાજી મંદિરની ઓફિશિયલ વેબસાઈટ પર મા અંબાજી મંદિરનો ઈતિહાસ અને તેમની ગાથા તમને જોવા મળી શકે છે. મા અંબાના પ્રાગટયનો ઈતિહાસ પુરાણોમાં જણાવ્યા અનુસાર, પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રમ આપ્યું હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા ન હતા. પિતાના ત્યાં યજ્ઞ છે, તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા.
પિતાના ત્યાં યોજાએલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન દેતા અને પિતાના મોઢે પતિ શંકરની નીંદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ કર્યું હતું, અને દેહને ખભે ઉપાડી ત્રણે લોકમા ઘુમવા માંડયા. ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે, તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડા કરી પૃથ્વી પર આતરે વેરાવી દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયા. જ્યાં 52 શક્તિપીઠની સ્થાપના થઈ, અંબાજીના આ સ્થળે એક એક શક્તિ તથા એક ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા.
આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો
તંત્ર ચુડામણીમા આ બાવન શક્તિપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું નામ પણ પુરાણોમાં જોવા મળે છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે.
ભગવાન શ્રીકૃષ્ણની બાબરી અંબાજીમાં થઈ
ભાગવતમાં ઉલ્લેખ છે કે, ભગવાન શ્રીકૃષ્ણના માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે.
પાંડવો અંબાજીમાં તપ કરવા આવ્યા
પાંડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે.
ભગવાન રામને મા અંબાએ અજય બાણ આપ્યું
વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવવા માતાજીના દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતુ. અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે.
અંબાજી મંદિરનો ઈતિહાસ પુરાણોથી લઈ અર્વાચીન ઈતિહાસમાં પણ જોવા મળે છે
આ રીતે અનેક દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે. અંબાજીના વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં જોવા મળે છે. મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પણ ઉપલબ્ધ પરિસ્થિતી જોતા અત્યારનું સ્થાનક બારસો વર્ષ પુરાણુ જણાય છે.
દેશ આઝાદ થયો બાદ દાંતાના રાજાએ મંદિરને સરકાર હસ્તક સોંપ્યું
સ્વતંત્રતા પહેલા રાજવી ભવાનસિહજી પરમાર માતાજીના અનન્ય ઉપાસક હતા. તેઓએ ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરેલ હોઈ વિદ્યા પ્રિય રાજવી તરીકે નામના મેળવેલ છે. ભવાનસિંહજી બાદ તેમના પુત્ર પૃથ્વીરાજસિંહજી ગાદી પર આવ્યા તેમના શાસન દરમ્યાન ભારતે સ્વંતત્રતા પ્રાપત કરતા ગર્વનર જનરલ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ તરીકે વી.પી.મેનન, ભારત સરકારના સચિવ (મિનિસ્ટ્રી ઓફ સ્ટેટસ) અને દાતાના રાજવી પૃથ્વીરાજસિંહજી વચ્ચે તા.5-8-1948 ના વિલિનીકરણ કરાર મુજબ દાંતાનું રાજ્ય ભારતના સંઘમા વિલિન થયું.
આ પણ વાંચો – અંબાજી ભાદરવી પૂનમ મહામેળો: પાર્કિંગથી લઈ, રહેવા, જમવા સહિતની સંપૂર્ણ માર્ગદર્શિકા, જોઈલો નહી તો અટવાઈ જશો
દાંતા રાજ્ય ભારત સંઘમાં વિલિનીકરણ બાદ અંબાજી માતાની મંદિરની માલીકી અંગે કાનુની પ્રશ્ન ઉપસ્થિત થતા પૃથ્વીરાજસિંહજી તથા ભારત સરકારના તાત્કાલિક મિનીસ્ટર ઓફ સ્ટેટસ એચ.ગોપાલ સ્વામી આયંગર તથા ત્યારબાદ ડો.કે.એન.કાન્જે તથા બાદમાં શ્રી વી.વિશ્વનાથન વચ્ચે ઘણા પત્ર વ્યવહાર થયા. છેવટે પૃથ્વીરાજસિંહજી ધ્વારા તા.25-5-53 ના પત્ર ધ્વારા ભારતના રાષ્ટ્રપતિને આ બાબત નામ સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાને રીફર કરવા વિનંતી કરવામાં આવતા સુપ્રિમકોર્ટ પૃથ્વીરાજસિંહજીને અંબાજી માતા મંદિરનો કબજો પ્રાત ઓફિસર, પાલનપુરને સોંપી દેવાનું જણાવવામાં આવ્યું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.