ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ અને આસ્થાનું સ્થાનક અંબાજી મંદિરના મોહનથાળ vs ચિક્કી પ્રસાદનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. અંબાજી મંદિરનો પ્રસાદ મોહનથાળમાંથી ચિક્કી કરાતા ભક્તોની આસ્થાને ઠેસ લાગી છે અને પ્રસાદ બદલવાના મામલે મંદિર ટ્રસ્ટ તેમજ રાજ્ય સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. અંબાજી મંદિરનો પ્રસાદ કેમ બદલવામાં આવ્યો તે અંગે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યું છે.
અંબાજી પ્રસાદની લડાઇમાં કોંગ્રેસ બાદ હવે VHPએ ઝંપલાવ્યું
આ વિવાદમાં કોંગ્રેસે પણ ગુજરાતની ભાજપ સરકાર આકરા પ્રહાર કર્યા બાદ હવે આ લડાઇમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ ઝંપલાવ્યું છે.
ગુજરાત સરકારે અંબાજી મંદિરનો પ્રસાદ બદલવાનું કારણ જણાવ્યું
51 શક્તિપીઠો પૈકીના એક મંદિર ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરનો પ્રસાદ મોહનથાળના બદલે ચિક્કી કરવાનો વિવાદ વિકરી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે મંદિરનો પ્રસાદ કેમ બદલવામાં આવ્યો તે અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
ગુજરાત સરકારે શનિવારે જણાવ્યું હતું કે ‘મોહનથાળની સરખામણીએ ચિક્કી’ની શેલ્ફ લાઇફ વધારો હોવાને કારણે અંબાજી મંદિરનો પ્રસાદ બદલવામાં આવ્યો છે.
પ્રસાદ એ શ્રદ્ધાનો વિષય છે, સ્વાદનો નહીં.. : ઋષિકેશ પટેલ
ગુજરાત સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “ અંબાજી મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે, જે લોકો મંદિરમાં આવી શકતા નથી તેઓ ઓનલાઈન દર્શન કરે છે. મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરનો પ્રસાદ ઓનલાઈન પણ મંગાવતા હોય છે. મોહનથાળના પ્રસાદની શેલ્ફ લાઈફ માત્ર સાતથી આઠ દિવસની હોય છે, એટલે કે આ પ્રસાદ આટલા દિવસ સુધી જ સારો રહે છે, જ્યારે ચિક્કી લાંબા સમય સુધી સારી રહે છે. મંદિર વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર (મોહનથાળને સ્થાને) ‘ચિક્કી’ જે ખાસ પ્રકારના માવા અને સિંગદાણામાંથી બનાવવામાં આવે છે, તે ત્રણ મહિના સુધી સારી રહે છે. પ્રસાદ એ શ્રદ્ધાનો વિષય છે, સ્વાદનો નહીં…, દેશ અને વિદેશમાં મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન પ્રસાદ મંગાવી શકે છે અને તેમની શ્રદ્ધાનું માન રાખી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, કોવિડ-19 મહામારી દરમિયાન લગભગ 1.25 કરોડ લોકો ઑનલાઇન દર્શન કરતા હતા.
ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, અંબાજી મંદિરનો પ્રાસદ મોહનથાળના બદલે ચિક્કીમાં બદલવાનો નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો નથી. તેનો વિચાર કેટલાક સમયથી ચાલી રહ્યો હતો છે. અંબાજી મંદિરમાં માતાજીને જે ભોગ ધરાવવામાં આવે છે તેમાં કોઈ ફેરફાર થયો નથી,” એવું જણાવતા મંત્રીએ ઉમેર્યુ હતું કે, આજ સુધી મંદિરમાં મોહનથાળ બગડ્યો હોવાની કોઈ ફરિયાદ મળી નથી.
અંબાજી મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદના ધરણાં
અંબાજી મંદિરના પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાજપના વડપણવાળી ગુજરાત સરકારનું નિવેદન આવ્યું છે. શનિવારે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગણી સાથે VHPએ અંબાજીમાં ધરણા કર્યા હતા. ગુજરાત VHPના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે VHPના વિરોધમાં રાજ્ય સચિવ અશોક રાવલ અને નાયબ સચિવ અશ્વિન પટેલ સહિત લગભગ 300-400 લોકોએ ભાગ લીધો હતો.
શુક્રવારે ગુજરાત વિધાનસભામાં અંબાજી મંદિરનો પ્રસાદ બદલવાના મુદ્દે વિરોધ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને બાકીના દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.