Tyre Killer Bumps In Chanakyapuri Ahmedabad : અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે ઓવરસ્પીડમાં જેગુઆર કારથી 9 લોકોનો ભોગ લીધો હતો. આ ભયાનક અકસ્માત બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી હતી. જેમાં ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ટ્રાફિક વિભાગે 11 દિવસમાં 1379 કેસ નોંધ્યા છે. આમ છતા લોકો સુધરતા નથી તેથી હવે પોલીસ અને AMCએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે નવો આઇડિયા કર્યો છે. જેમાં જે લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવશે તો તેના ટાયરને નુકસાન થશે.
રોડ પર ટાયર કિલર બમ્પ લગાવ્યા
રોંડ સાઇડ પર આવતા લોકોને પાઠ ભણાવવા અમદાવાદ મનપાએ રોડ પર ટાયર કિલર બમ્પ લગાવ્યા છે. રોંગ સાઈડમાં આવતા લોકો વાહન સાથે અહીંથી પસાર થશે તો તેમના વાહનોના ટાયરમાં નુકસાન થશે. એટલે કે જો તમે રોંગ સાઇડમાં ગયા તો તમારા વાહનનું ટાયર ફાટવું નક્કી છે. હાલ પ્રાયોગિક ધોરણે ટાયર કિલર બમ્પ ઘાટલોડીયા વિસ્તારમાં ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ લગાવવામાં આવશે.
જ્યાં વન વે હોય અથવા તો વાહન ચાલકો રોંગ સાઈડમાં આવતા હોય તેવી જગ્યા ઉપર આ બમ્પ લગાવવામાં આવશે. જેનાથી વાહનચાલકોને નુકસાન થશે અને તેઓ રોંગ સાઈડમાં જશે નહીં.
આ પણ વાંચો – ગુજરાત એટીએસને વધુ એક સફળતા : રાજકોટથી ત્રણ શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
કેવી રીતે કરશે કામ
ટાયર કિલર્સ એ એવી મેટલ સ્ટ્રિપ્સ છે જે રોડ પર બમ્પની જેમ લગાડવામાં આવ્યા છે. જેમાં તેના છરા એક બાજુથી ઘણાં તીક્ષણ હોય છે. જે લોકો સાચી દિશામાં જ વાહન ચલાવે છે તેમને આ છરાથી કશું નુકસાન થશે નહીં. તેમના માટે આ ટાયર કિલર્સ માત્ર એક બમ્પની જેમ રહેશે. જોકે રોંગ સાઈડમાં વાહન ચલાવનારા માટે અણીદાર છરા નુકસાન પહોંચાડશે. થશે. રોંગ સાઇડના આવતા વાહનોનો અહીંથી જશે તો અણીદાર છરા ટાયરમાં પંક્ચર પાડવાનું કામ કરશે.





