અમિત શાહના કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર, ભાજપ ‘સફાઈ’ ચાલુ રાખશે

Gujarat assembly election 2022 : ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) આજે ખંભાત અને અમદાવાદમાં ચૂંટણી સભા સંબોધતી વખતે કહ્યું - ‘લાજવાના બદલે ગાજવામાં માનનારી આ કોંગ્રેસ પાર્ટી (Congress) ગુજરાતનું (gujarat) ભલુ ન કરી શકે’, બેટ દ્વારકા અને પાવાગઢનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે, ભાજપ (BJP) સરકાર ‘સફાઈ’ ચાલુ રાખશે

Written by Ajay Saroya
Updated : November 23, 2022 14:42 IST
અમિત શાહના કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર, ભાજપ ‘સફાઈ’ ચાલુ રાખશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પુરજોશમાં ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરી દીધો છે. આજે ભાજપ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ખંભાત ખાતે જનસભા યોજી હતી. આ જનસભામાં અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી તેમજ તેમની ભારત જોડો યાત્રા પર આકરા પ્રહાર કર્યા હતા.

અમિત શાહે અમદાવાદ ખાતે જનસભાને સંબોધિત વખતે કોંગ્રેસને આડે હાથ લીધા હતા. તેમણે ચૂંટણી ભાષણમાં કહ્યુ કે, કોંગ્રેસ ક્યારે ગુજરાતનું ભલુ કરી શકતી નથી. રમખાણ કરનારાઓને માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટી જ દબાવી શકે છે. આથી અમે ગુજરાતની જનતા પાસે બીજા પાંચ વર્ષ અમને આપવાની માંગણી કરવા આવ્યા છીએ.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (ફાઇલ ફોટો)

અમિત શાહે કહ્યુ કે, ગુજરાતમાં સૌથી ઉંચી મૂર્તિઓ, સૌથી વધુ દૂધ અને બટાકાનું ઉત્પાદન, સૌથી વધારે લઘુ ઉદ્યોગો અને સૌથી વધારે શાંતિ પણ ગુજરાતમાં છે. લાજવાના બદલે ગાજવામાં માનનારી આ કોંગ્રેસ પાર્ટી ગુજરાતનું ભલુ ન કરી શકે, જેના કણ-કણની અંદર સંવેદના હોય તે જ ગુજરાતને સલામત કરી શકે છે.

ગુજરાતમાં સૌથી મોટી બુલેટ ટ્રેન બનાવવાની, જામનગરમાં સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, ગીફ્ટ સિટી, ઉદ્યોગોના કરોડો રૂપિયાના રોકાણના પ્રોજેક્ટો રાજ્યમાં આકર્ષી લાવવા, ગુજરાતના યુવાનોને સ્ટાર્ટઅપ્સના માધ્યમથી વૈશ્વિક પ્લેટફોર્મ પુરું પાડવાની કામગીરી ભાજપે કરી છે.

આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં ગુજરાતમાં નર્મદાના પાણીને આવતા રોકનાર મેધા પાટકરને સાથે લીધા હતા, જેને અરવિંદ કેજરીવાલે ટિકિટ આપી હતી, આવા લોકો ગુજરાતનો વિકાસ કેવી રીતે કરી શકે છે..!

આ પણ વાંચોઃ મધુ શ્રીવાસ્તવ, ધવલસિંહ ઝાલા સહિત ભાજપના બળવાખોર 12 નેતાઓ સસ્પેન્ડ

ભાજપ સરકાર “સફાઈ” ચાલુ રાખશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે મંગળવારે ગુજરાતના ખંભાત ખાતે પણ ચૂંટણી જનસભાને સંબોધી હતી. ચૂંટણી ભાષણમાં અમિતશાહે કહ્યુ કે, બેટ દ્વારકા – જે ભગવાન કૃષ્ણનું નિવાસસ્થાન માનવામાં આવે છે ત્યાંથી “નકલી મઝારો” દૂર કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ પક્ષના વિરોધ વચ્ચે પણ ભાજપ સરકાર “સફાઈ” ચાલુ રાખશે. “મઝાર હોય કે કબરો, શું અતિક્રમણ હટાવવા ન જોઈએ?, કોંગ્રેસને આ પસંદ નથી. પરંતુ ચિંતા કરશો નહીં, ભલે તેઓને તે ન ગમે, ભાજપ સફાઈ ચાલુ રાખશે. કોઈથી ડરવાની જરૂર નથી. ”

નોંધનિય છે કે, ગુજરાતમાં આગામી 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે અને મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ