Biparjoy Cyclone Latest Update : વાવાઝોડા બિપરજોયે ગુજરાતમાં ઘણું નુકસાન પહોંચાડ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કચ્છ પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગૃહમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સૌના સહયોગથી અમે આ આપત્તિ સામે લડવામાં જીત મેળવી છે. વાવાઝોડા પ્રભાવિત માટે ગુજરાત સરકાર પેકેજ બનાવશે અને જાહેર કરશે.
અમિત શાહે કહ્યું કે, જે 3,400 ગામોમાં વીજ પુરવઠો કાપવામાં આવ્યો હતો તેમાંથી 1,600 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે લગભગ 1.08 લાખ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 73 હજાર જેટલા પશુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ 47 લોકો ઇજાગ્રસ્ત થયા હતા પરંતુ તેમાંથી કોઈ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું નથી. ચક્રવાત દરમિયાન લગભગ 234 પ્રાણીઓનાં મોત થયા છે. પીએમ મોદીએ ચક્રવાતના લેન્ડફોલ કરતા પહેલા તમામ વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો. વડા પ્રધાને પોતે રાજ્ય સરકાર અને એજન્સીઓ સાથે તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.
અમિત શાહે જણાવ્યું હતું કે સૌથી પહેલી અમારી પ્રાયોરિટી છે જેઓ વિસ્થાપિત થયા છે તેમને ઘરે મુકવા. તેમણે સહાયને લઈ જણાવ્યું કે સહાયની એક પેર્ટન બનેલી છે જેના આધારે ગુજરાત સરકાર પેકેજ બનાવશે અને જાહેર કરશે. અત્યારે વીજળી અને પાણીનો સપ્લાય કરવાની કામગીરી યુદ્ધના ઘોરણ કરવામાં આવી રહી છે. સૌથી પહેલા જે વિસ્થાપિત થયેલા નાગરિકોને તેમના ઘરે સલામતી પૂર્વક પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો – બિપરજોય વાવાઝોડું ટકરાતાં કચ્છમાં ભારે તારાજી, જાણો કેવી છે વહીવટીતંત્રની તૈયારીઓ
અમિત શાહે કહ્યું કે આ વાવાઝોડા સામેની લડાઈમાં તલાટીથી લઈ જિલ્લા અને તાલુકા દરેક પ્રતિનિધિ ખૂબ જ સારૂ કાર્ય કર્યું છે. ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત સરકારે પૂરૂ પાડ્યું છે.એક પણ વ્યક્તિનું મૃત્યુ આ વાવાઝોડામાં થયું નથી માત્ર 47 લોકોને ઈજા પહોંચી છે. 20 જુન સુધીમાં સમગ્ર વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં વીજળી ચાલુ કરી દેવામાં આવશે.
વાવાઝોડા પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતી ના ભાગરૂપે સર્ગભા મહિલાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રીએ આ તમામ માતાઓ કે જેમની ડિલિવરી વાવાઝોડા દરમિયાન થઈ હતી તેમની સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત તમામ સગર્ભા માતાઓના તેમજ નવજાત શિશુઓના ખબર અંતર પૂછીને હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.
ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જખૌ પોર્ટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અમિત શાહ જખૌ શેલ્ટર હોમ ખાતે રહેલા લોકોને પણ મળ્યા હતા.





