Amit Shah Ki Pathshala: અમિત શાહ એ ગુરુવારે ગણપત યુનિવર્સિટીના 18મા દિક્ષાંત સમારોહમાં ખાસ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં તેમણે સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, નોટ્સ એક્સચેન્જ કરવાને બદલે હવે આઇડિયા એક્સચેન્જ કરવાનો સમય છે.
ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ગણપત યુનિવર્સિટી ખાતે એક અલગ અંદાજમાં દેખાયા હતા. 18મા દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતાં તેમણે વિદ્યાર્થીઓને સફળતાના પાઠ શીખવ્યા હતા. બદલાઇ રહેલા ભારત વિશે રુપરેખા બતાવતાં તેમણે કહ્યું કે, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાથી દેશ આમૂલ પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યો છે. ભારત ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં આગળ વધી રહ્યો છે જેની સાથે યુવાઓ માટે રોજગારની વિપુલ તકો પુરી પાડી છે.
વિદ્યાર્થીઓને સફળતાના પાઠ શીખવતાં અમિત શાહે કહ્યું કે, જીવનમાં સફળ થવા માટે લક્ષ્ય રાખવું જરુરી છે અને લક્ષ્ય પૂર્ણ કરવા માટે અથાગ પરિશ્રમ જરુરી છે. વિદ્યાર્થીઓને પોતાની અંદર એક વિદ્યાર્થીને સદાય જીવંત રાખવા ઉપર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, બદલાતી પરિસ્થિતિઓને આધારે જે પોતાની જાતને સતત અપડેટ રાખે છે અને સતત શીખે છે એ સફળ થાય છે.
બદલાતા સમયની સાથે એમણે કહ્યું કે, અગાઉ અમારા સમયમાં નોટ્સ એક્સચેન્જ કરતા હતા પરંતુ હવે નોટ્સ એક્સચેન્જ કરવાને બદલે આઇડિયા એક્સચેન્જ કરવાનો સમય છે. માર્ક્સ ઓરિએન્ટેડને બદલે નોલેજ ઓરિએન્ટેડ માઇન્ડ સેટ જરુરી છે. ડિગ્રી જરુરી છે પરંતુ નોલેજ એના કરતાં પણ ખાસ જરુરીછે.
સહકાર અને ટીમ વર્ક ઉપર ભાર મુકતાં તેમણે કહ્યું કે, કલ્ચર ઓફ કોમ્પિટેશનને બદલે કલ્ચર ઓફ કોઓપરેશન જરુરી છે. એકબીજાને સાથે રાખીને પોતાના વ્યક્તિગત વિકાસની સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કેવી રીતે ભાગીદાર બની શકાય એ ભાવ જરુરી છે.
આ પણ વાંચો । 10 હજારની લોન સાથે શરુ કર્યો બિઝનેસ, આજે કરોડોનું સામ્રાજ્ય
ભારત દરેક ક્ષેત્રે આગળ હશે એવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, દેશની આઝાદીના 75મા વર્ષની ઉજવણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સુવર્ણ યુગ માટે ખાસ લક્ષ્ય રાખ્યું છે. મહાન ભારતની રચના, વિકસિત ભારતની રચના માટેના આ લક્ષ્ય સાથે સૌ જોડાયા છે. 2047 ભારતની આઝાદીના 100 વર્ષ થશે ત્યારે ભારત દરેક ક્ષેત્રે આગળ હશે
ગણપત યુનિવર્સિટીના 18મા દિક્ષાંત સમારોહમાં ગણપત યુનિવર્સિટીના સ્થાપક ગણપતભાઇ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ હરિભાઇ પટેલ, મયંક નાયક સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 4 હજાર જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.