યશપાલ વાળા, અમરેલીઃ અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં સિંહોના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધી ગયા છે ત્યારે માનવ ઉપર હુમલાઓના કિસ્સાઓ પણ અવાર નવાર બનતા રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સોમવારે મોડી સાંજે જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામે બન્યો હતો. અહીં સિંહણે સાત વર્ષની બાળકીને ઉપાડી જઈ ફાડી ખાધી હતી.
મળતી માહિતી પ્રમાણે જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામે સિંહણનો હુમલો થયો હતો. સિંહણે આ હુમલો ત્યારે કર્યો હતો જ્યારે સાત વર્ષની બાળકી કીર્તિ મનોજભાઈ ધાપા ખેતરમાંથી ઘરે પરત ફરી રહી હતી. સિંહણે સાત વર્ષની બાળકી ઉપર હુમલો કરીને ખેતરમાં ખેંચી ગઈ હતી. અને જ્યાં બાળકીને ફાડી ખાધી હતી. આ ઘટના અંગે જાણ થતાં જ ગ્રામજનો બાળકીની શોધમાં નીકળી પડ્યા હતા.
બાળકીના પગ જેવા અવશેષો હાથ લાગ્યા
સિંહણ બાળકીને ઉપાડી ગયાની ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. અને ભારે શોધખોળ બાદ બાળકીના પગ જેવા અવશેષો હાથ લાગ્યા હતા. ગ્રામજનોએ આ વાતની જાણ વનવિભાગને પણ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ધારાસભ્ય અને સ્થાનિક લોકોએ બાળકીના બાકીના અવશેષોની શોધખોળ ચાલું રાખી હતી.

નરભક્ષી સિંહણને પાંજરે પુરવામાં વનવિભાગે મળી સફળતા
બીજી તરફ નરભક્ષી સિંહણને શોધવા માટે વનવિભાગે પણ કવાયત શરૂ કરી હતી. અને વન વિભાગે આખી રાત કામગીરીને કરીને વહેલી સવારે સિંહણને પાંજરે પૂરી હતી. આમ નરભક્ષી સિંહણને પકડવામાં વનવિભાગે મોટી સફળતા મળી હતી.
આ પણ વાંચોઃ- ચોંકાવનારો કિસ્સો : ભરૂચમાં પડોસી ગામના લોકોએ ગર્ભવતી ગાયની કરી ચોરી, મારીને ખાઈ ગયા માંસ, છની ધરપકડ
15 દિવલમાં સિંહના હુમલાની બીજી ઘટના
જાફરાબાદ પંથકમાં સિંહોનો આંતક રહેલો છે ત્યારે વનવિભાગની કામગીરી ઉપર પણ સ્થાનિક લોકો રોષે ભરાયેલા છે. કારણ કે 15 દિવસમાં સિંહના હુમલાની આ બીજી ઘટના બની છે.





